
ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદેલીના કારણે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ સ્થિતિમાં આવી ગઈ છે. ખાસ કરીને મહત્વપૂર્ણ સ્થળો અને જનમેળા માટે સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થામાં કડકાઈ લાવવામાં આવી રહી છે. આવી જ અસર સુરત શહેરમાં પણ જોવા મળી રહી છે, જ્યાં રેલવે સ્ટેશન પર GRP (ગવર્નમેન્ટ રેલવે પોલીસ), RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે.
ઓળખપત્ર ચેક કરાયા
આ ચેકિંગ દરમિયાન ડોગ સ્ક્વોડની મદદથી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ, વેટિંગ એરિયા, પેસેન્જર હોલ તેમજ પાર્કિંગ ઝોન વગેરે વિસ્તારોમાં તલાશી લેવામાં આવી. કોઇ પણ સંદિગ્ધ વસ્તુ કે વ્યક્તિની ઓળખ માટે ચેકિંગ તંત્ર સતત સક્રિય રહ્યું.પોલીસ દ્વારા મુસાફરોના ઓળખપત્રોની પણ તપાસ કરવામાં આવી, જેમાં ખાસ કરીને ટ્રેનોમાં મુસાફરી કરનાર પેસેન્જર્સને તેમનું આધાર કાર્ડ કે અન્ય માન્ય ID બતાવવાનું કહેવામાં આવ્યું. સુરક્ષા દળો દ્વારા સ્ટેશન પર આવતા અને જતા ટ્રેનોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ રોકી શકાય.
કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પ્રયાસ
સુરત પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, “રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત રેલવે સ્ટેશન પર અમારી ટીમ ચોક્કસ છે. આવનારા દિવસોમાં પણ આવા ચેકિંગ અભિયાનો ચલાવવામાં આવશે.”આ સમગ્ર અભિયાનનો ઉદ્દેશક શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. હાલના ઘર્ષણપૂર્ણ આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખી સુરક્ષા એજન્સીઓ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે.