
રવિવારે અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવભરી સ્થિતિ છે. સોમવારે પણ ઇઝરાયલ અને ઇરાને એકબીજા પર હુમલો ચાલુ છે. ઇઝરાયલી સેનાએ રાજધાની તેહરાનના દક્ષિણપૂર્વમાં સ્થિત પારચીન લશ્કરી સંકુલ પર સીધો અને મોટો હુમલો કર્યો. ઇરાન સમર્થિત મીડિયા 'નૂર ન્યૂઝ' એ આ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે, તેહરાન અને કારાજ જેવા મુખ્ય શહેરોમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ અનેક હુમલાઓને રોકવાનો પ્રયાસ કર્યો છે.
સાયરન વગાડી લોકોને શેલ્ટર હોમમાં જવા આદેશ
ઇઝરાયલી સંરક્ષણ દળે સોમવારે પુષ્ટિ કરી કે ઇરાને ઉત્તરી ઇઝરાયલ પર વધુ મિસાઇલો છોડ્યા છે. લશ્કરી પ્રવક્તાના જણાવ્યા અનુસાર, મિસાઇલોને રોકવા માટે ઇન્ટરસેપ્શન સિસ્ટમ્સ સક્રિય કરવામાં આવી છે. ઉત્તરી ઇઝરાયલમાં સાયરન વગાડી લોકોને શેલ્ટર હોમમાં જવા અને નવા આદેશ સુધી ત્યાં રહેવા કહેવાયું છે.
હુમલામાં 15 વિમાન અને હેલિકોપ્ટર નાશ પામ્યા
ઇઝરાયલી સંરક્ષણ દળ (IDF) એ ઇરાનના પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભાગોમાં સ્થિત છ લશ્કરી એરપોર્ટને નિશાન બનાવીને એક સાથે સંયોજિત રીતે હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં 15 વિમાન અને હેલિકોપ્ટર નાશ પામ્યા હતા. IDF અનુસાર આ મિશનમાં રિમોટલી સંચાલિત વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને રનવે, ભૂગર્ભ બંકરો અને F-14, F-5, AH-1 હેલિકોપ્ટર સહિત એક રિફ્યુઅલિંગ પ્લેનને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ બધા વિમાનોને ઇઝરાયલી મિશન સામે બદલો લેવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા.
IDF એ કહ્યું કે આ ઓપરેશનનો ઉદ્દેશ્ય ઈરાની હવાઈ તાકાતને નબળી પાડવાનો અને ઈરાની હવાઈ ક્ષેત્રમાં ઈઝરાયલની હવાઈ શ્રેષ્ઠતાને વધુ ગાઢ બનાવવાનો છે. આ હુમલાથી ઘણા ઈરાની હવાઈ મથકોની ટેકઓફ ક્ષમતામાં વિક્ષેપ પડ્યો છે અને ઈરાની સેનાની હવાઈ શક્તિને તાત્કાલિક અને વ્યૂહાત્મક નુકસાન થયું છે.
શાહિદ બેહેશ્તી યુનિવર્સિટી પર પણ હુમલો
ઈરાનની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાં ગણાતી તેહરાનની શાહિદ બેહેશ્તી યુનિવર્સિટીને પણ ઇઝરાયલે નિશાન બનાવી છે. આ યુનિવર્સિટી ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકો અને લશ્કરી વ્યૂહરચનાકારોની તાલીમ સાથે સંકળાયેલી છે. જોકે, આ હુમલામાં જાનમાલના નુકસાનની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.
ઈરાનના કોમ ક્રાઈસિસ મેનેજમેન્ટ હેડક્વાર્ટરના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે થોડા સમય પહેલા ફરી એકવાર ફોર્ડો પરમાણુ કેન્દ્રને નિશાન બનાવવામાં આવ્યું છે. આ એ જ પરમાણુ કેન્દ્ર છે, જેને અમેરિકા અને ઇઝરાયલે પહેલાથી જ નષ્ટ કરવાનો દાવો કર્યો છે. ફોર્ડો પરનો આ બીજો સીધો હુમલો આ ક્ષેત્રમાં તણાવને અત્યંત વિસ્ફોટક પરિસ્થિતિમાં લઈ જઈ રહ્યો છે.