
IPL 2025 માં 23 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ 26 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી હતી.
આ મેચ જીત કે હાર કરતાં SRHના ઈશાન કિશનના વિચિત્ર રીતે આઉટ થવાને કારણે વધુ ચર્ચામાં રહી હતી. આ સિઝન પહેલા, ઈશાન કિશન MI માટે જ રમતો હતો. ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને સ્કોરકાર્ડ પર 'કેચ આઉટ' જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે તેના બેટ અને બોલ વચ્ચે કોઈ સંપર્ક નહતો થયો. અહીં સમજો કે આખો મામલો શું હતો.
શું છે આખો મામલો?
આ SRHની ઈનિંગની ત્રીજી ઓવર હતી અને પહેલો બોલ દીપક ચહર દ્વારા ફેંકવામાં આવ્યો હતો. ઈશાન કિશને મેચમાં 4 બોલનો સામનો કર્યો અને માત્ર 1 રન બનાવ્યો હતો.
https://twitter.com/StarSportsIndia/status/1915055304343011748
દીપક ચહરનો આ બોલ લેગ સાઈડ તરફ જઈ રહ્યો હતો, તે લેન્થ બોલ હતો અને અંદરની તરફ સ્વિંગ થઈ રહ્યો હતો. અમ્પાયરે પહેલા તેને વાઈડ હોવાનો સંકેત આપ્યો. ન તો ચહરે આ અંગે અપીલ કરી કે ન તો વિકેટકીપર રિયન રિકેલટને કંઈ કહ્યું.
છતાં પણ ઈશાન કિશન પોતે પવેલિયન તરફ ચાલવા લાગ્યો, જાણે તેને લાગ્યું કે તે આઉટ થઈ ગયો છે, આ જોઈને અમ્પાયર વિનોદ સેશને પણ આંગળી ઉંચી કરીને તેને આઉટ આપી દીધો. આના પર હાર્દિક પંડ્યાએ ઈશાનના માથા પર હાથ રાખ્યો અને તેની પ્રામાણિકતાના વખાણ કર્યા હતા.
અલ્ટ્રા એજ ચેક કરતા સત્ય બહાર આવ્યું
જ્યારે ઈશાન કિશન આ રીતે આઉટ થયો, ત્યારે આ સિઝનમાં બીજી વખત તેની સાથે આવું બન્યું કે કિશન લેગ સાઈડ પર કેચ થઈ ગયો, પરંતુ આ વખતે તેને બચી શક્યો હોત, કારણ કે સ્નિકો (અલ્ટ્રાએજ) પર પણ કંઈ નહતું દેખાયું. રિપ્લેમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે બોલ કિશનના બેટથી ઘણો દૂર હતો અને અલ્ટ્રાએજ પર કોઈ હિલચાલ નહતી. જ્યારે આ બધું બન્યું, ત્યારે ચહર પોતાના રન-અપ પર પાછો ફરી રહ્યો હતો અને તેણે પણ વધુ અપિલ નહતી કરી, અને અમ્પાયરે વાઈડને આઉટમાં બદલી નાખ્યો. કિશન આઉટ થતાં જ SRHનો સ્કોર 9 રનમાં 2 વિકેટે થઈ ગયો હતો.