
નવસારી APMC માં એપ્રિલ 10 થી દર વર્ષે કેરીની સીઝન શરૂ થતી હોય છે.પરંતુ બદલાયેલા વાતાવરણને કારણે હજુ આંબા પર કેરી અપરિપક્વ છે. જેના કારણે ખેડૂતો થોડી રાહ જોઈ રહ્યા છે. 20 એપ્રિલ બાદ કેરીની આવક શરૂ થાય તેવી સંભાવના હાલ જોવામાં આવી રહી છે. નવસારી જિલ્લાની વાડીઓમાં દેવીપુજક અને યુપીવાસી વેપારીઓ આંબા ઉપર મોર પારખીને આખી વાડીઓના સોદા કરતા હોય છે. જેમને આ વખતે 80 ટકા જેટલું નુકસાન થશે તેવી સંભાવના જોવાઈ રહી છે. કેટલાક લોકો લાખો રૂપિયાના ભાવે વાડી તો રાખે છે. પરંતુ કેરી ન આવવાને કારણે પૈસા ડૂબવાની સ્થિતિ ઊભી થઈ છે. જો ખેડૂતો લીધેલા પૈસા અંગે સમાધાન ન કરે તો વાડી રાખનારને આત્મહત્યા પણ કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ હોવાની વાત APMCના વેપારી કરી રહ્યા છે.
50 ટકા આવકની સંભાવના
બે વર્ષ અગાઉ નવસારી એપીએમસીમાં ચાર લાખ મણ કેરીની આવક થઈ હતી. ગત વર્ષે બે લાખ જેટલી મણ કેરીની આવક થઈ હતી. આ વખતે તેના કરતાં 50 ટકા આવક થશે તેવી ધારણા એપીએમસીના અધિકારીઓ રાખી રહ્યા છે. કેરી ઓછી આવશે તો તેની સીધી અસર ભાવ પર પડશે. એટલે ગ્રાહકોને આ વખતે કેરીનો સ્વાદ તૂરો લાગી શકે તેવી સ્થિતિનો નિર્માણ થયું છે.
કેરીની આવક અડધી થવાની ભીતિ
એપીએમસીના સેક્રેટરી દર્શન દેસાઈ કહે છે કે, આ વર્ષે કેરીની સિઝન ખરાબ હવામાનને કારણે મોડી થવાની શક્યતા છે. ગત વર્ષે 10 એપ્રિલની આજુબાજુ અમારે ત્યાં કેળની હરાજી શરૂ થઈ ગઈ હતી. આ વર્ષે કેરીની સીઝન શરૂ થવાને હજુ પંદર દિવસ લાગી શકે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. આ વર્ષે શરૂઆતમાં ખૂબ મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હતું. પરંતુ વાતાવરણમાં ફેરફાર થતા કેરીનું બેસાણ થયું ન હતું. જેને કારણે આ વખતે કેરીની સીઝન ટૂંકી રહેશે, હવામાન વિભાગ દ્વારા માવઠાની અસરની પણ આગાહી કરવામાં આવી રહી છે. બે વર્ષ અગાઉ એપીએમસીમાં ચાર લાખ મણ કેરીની આવક થઈ હતી. ગયા વર્ષે ₹2,00,000 થઈ હતી. આ વર્ષે ₹1,00,000 મણ કેરીની પણ માંડ માંડ આવક થશે તેવી સ્થિતી ઉત્પન્ન થઈ છે.
આપઘાત કરવાની સ્થિતિ
વેપારી શામલાલના જણાવ્યા મુજબ ખરાબ હવામાનને કારણે આ વખતે ખૂબ ઓછી કેરી ઝાડ પર જોવા મળી રહી છે. કેરીની માવજતમાં વપરાતી દવા અને અન્ય મજૂરી કરતા પણ ખેડૂતોને પોસાય નહીં તેવી સ્થિતી ઉત્પન્ન થઈ છે. શરૂઆતમાં કેરીની આવક ખૂબ દેખાતી હતી. પરંતુ બદલાયેલા વાતાવરણને કારણે એવી સ્થિતિ બદલાય કે મોર કાળા પડી ગયા. કેટલા ખેડૂતોના વાડીમાં કેરી બચી છે તો કેટલાકને નુકસાની વેચવાનો વારો આવ્યો છે. એપ્રિલના પહેલા સપ્તાહમાં એપીએમસીમાં કેરીની આવક શરૂ થતી હોય છે. પરંતુ આ વખતે હજુ અઠવાડિયાથી દસ દિવસ બાદ કેરી આવશે તેવી સ્થિતિ ઊભી થઈ છે. હાલમાં માત્ર 100 થી 200 મણ જેટલી કેરીઓ માર્કેટમાં હરાજી માટે આવે છે. હાલમાં કેરીના મણના 1200 થી લઈને 2000 સુધી બોલાઈ રહ્યા છે, વાડી રાખનાર વેપારીઓએ ખેડૂતો પાસે પ્રતિમણ 1200 થી 1300 રૂપિયા ના હિસાબે વાડી રાખી છે, એમાં વધતા 300 રૂપિયા ખર્ચો ઉમેરવાનો એટલે 1600 રૂપિયા મણ ના હિસાબે વેપારીને કેરી ઘરમાં પડે છે હવે આ ભાવથી ઉપર વેચાય તો વેપારીને પરવડી શકે તેમ છે. કેટલા કિસ્સામાં વાડી રાખનારને નુકસાની જાય તો છેલ્લે આપઘાત પણ કરવો પડે તેવી સ્થિતિ છે.