
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચંડોળાના સરોજ નગરમાં ક્રાઇમ બ્રાન્ચે ફૂટ પેટ્રોલિંગ કર્યું છે. પોલીસની એક ટીમે મકાનો ખાલી કરાવ્યાં છે. અમદાવાદનો ચંડોળા તળાવ મીની બાંગ્લાદેશ વિસ્તાર તરીકે ઓળખાય છે. પોલીસની હાજરીમાં ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
બાંગ્લાદેશી ઘૂસણખોરીનો અડ્ડો
અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટા શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી તેમની અટકાયત કરવામાં આવી રહી છે.
11 વાગ્યે હાઈકોર્ટમાં સુનાવણી
બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવશે. જોકે, હવે આ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની 11 વાગ્યે સુનાવણી હાથ ધરાશે. આ મામલે કેટલાક અરજદારોએ ગેરકાયદેસર પ્રવૃતિ ગણાવી છે.
18 અરજદારોએ હાઈકોર્ટમાં કરી અરજી
હાલ ડિમોલિશનના આ મુદ્દે 18 જેટલાં અરજદારોએ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. ગેરકાયદે બાંધકામ તોડી પાડવા મુદ્દે 11 વાગ્યે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. જોકે, અરજીમાં ડિમોલિશન મુદ્દે અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તેમજ નિયમો વિરૂદ્ધ ડિમોલિશનની કામગીરી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અહીં રહેતા લોકો બાંગ્લાદેશી નથી અને ખોટી રીતે અમારા મકાન તોડી પાડવામાં આવી રહ્યા છે. આ સિવાય કોઈ ગેરકાયદે વિદેશી છે કે, નહીં તેનો નિર્ણય ફોરેન ટ્રિબ્યૂનલ નક્કી કરે. તેથી તેની સામે કાર્યવાહીના ભાગરૂપે ગેરકાદે રીતે ઘર તોડી ન શકાય. અમને ન તો કોઈ નોટિસ મળી છે અને ન તો પુનર્વસનની કોઈ વાત કરવામાં આવી છે