
અમદાવાદ શહેરમાં એક વર્ષ અગાઉ ઉસ્તાદના જીમખાનામાં પીસીબીએ દરોડા પાડ્યા હતા. ત્યારે ફરી એક વખત પીસીબીએ ઇસનપુરમાં જુગારધામ ઝડપી પાડયું છે. ચંડોળા તળાવના ખાડામાં જુગારધામ ચલાવવામાં આવતું હતું. ૧૧ જુગારીઓ પોલીસની રહેમ નજર હેઠળ જુગારધામ ચલાવતા હોવાની પોલીસ બેડામાં ચર્ચા થઈ રહી છે. બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટ તરીકે પ્રખ્યાત એવા ઇસનપુરના ચંડોળા તળાવમાંથી જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે.
બાતમીના આધારે પીસીબીએ ચંડોળા તળાવના મધ્યભાગમાં ચાલતા જુગાર ધામ પર દરોડા પાડીને કુલ ૧૧ જુગારીઓને ઝડપી પાડીને રૂ.૩.૦૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે. ઇસનપુર વિસ્તારમાં ચાલતા દારૂ તથા જુગારની હાટડીઓને પગલે પોલીસ મેળામાં ચર્ચા છે કે ખેડાના કુખ્યાત પ્રદીપ, નારોલના મહાવીર તથા દેવુભાની રહેમ નજર હેઠળ ઈસનપુર વિસ્તારમાં ગેરકાયદેસર ધંધા કરનાર બેખોફ બનીને પોતાની દુકાન ચોવીસ કલાક ચલાવે છે. પીસીબીએ ચંડોળા તળાવમાં ખોદેલા ખાડામાં જુગારધામ ચલાવતા આરોપીઓને ઝડપી પાડીને ઈસનપુર પોલીસ અને જુગારીઓની મિલીભગતને જાહેર કરી દીધી છે.
ઇસનપુર પોલીસની રહેમનજર હેઠળ સંજય અને સલમાન ઉર્ફે બાલમે ચંડોળા તળાવના મધ્ય ભાગે ખોદેલા ખાડામાં જુગારધામ શરૂ કર્યુ હતું. આ મામલે પીસીબીને બાતમી મળતા જ રેડ કરીને 11 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પીસીબીએ જુગારીઓ પાસેથી 40 હજાર રોકડ, 12 મોબાઇલ ફોન, બે વાહનો મળી કુલ રૂ. 3.01 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી સોયેબ શેખ, શૈલેષ પીઠડીયા, જાવીદ મનસુરી, મહોમંદ ઇસ્માઇલ ઉર્ફે માઇકલ શેખ, મહોમંદ રફીક જાન ઘાંચી, કિર્તી પંચાલ, ધનજી પટણી, શફી એહમદ શેખ, હિતેશ પટેલ, ઇમરાન ડોસાણી, સોયેબ મનસુરીની પૂછપરછ કરતા સંજય (રહે.પાનવાળી ચાલી, શાહઆલમ) અને સલમાન ઉર્ફે બાલમ (રહે.ચંડોળા તળાવના છાપરા) જુગારધામ ચલાવતા હોવાનું સામે આવ્યુ હતું.
આરોપીઓ સ્થાનિક પોલીસના આશીર્વાદથી કોઇન અને પાનાનો જુગાર રમાડતા હતા. પીસીબીની રેડની ગંધ આવતા જ સ્થાનિક પોલીસ સ્ટેશનના વહીવટદારોએ મુખ્ય આરોપીઓને જાણ કરી દેતા તે લોકો ભાગી ગયા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યુ છે. ત્યારે અન્ય વહીવટદારોને જીલ્લા બહાર તગેડી મૂકીને સંતોષ માનનારા પોલીસ વડા વિકાસ સહાય હવે ખેડાના પ્રદિપ તથા નારોલ અને ઇસનપુરમાં નોકરી કરતા પોલીસકર્મીઓ સામે પગલાં લે છે કે નતમસ્તક થાય છે તે જોવાનું રહેશે.
ચંડોળા તળાવમાં ઊંડા ખાડા ખોદ જુગાર રમતા
ઇસનપુર બસ સ્ટેન્ડ નજીક ઉસ્તાદના જીમખાનામાં ચાલતા જુગાર ધામ પર વર્ષ અગાઉ પીસીબીએ રેડ કરીએ ડઝન આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, ત્યારે આજે ફરી એક વખત ઈસનપુર પોલીસની હદમાં ચાલતા જુગાર ધામ પર પીસીબીએ ફરી એક વખત દરોડા પાડીને ઈસનપુર પોલીસની કામગીરી પર ઘેરા સવાલો ઊભા કરી દીધા છે. ગેરકાયદેસર બાંગ્લાદેશીઓનો ગઢ ગણાતા એવા ચંડોળા તળાવમાં હાલ નવીનકરણ ચાલી રહ્યું છે જેના લીધે તળાવમાં ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે. ખોદેલા ઊંડા ખાડાનો ફાયદો ઉઠાવીને ઈસનપુર પોલીસ સ્ટેશનના કેટલાક મળતિયાઓ આવા ખાડામાં જુગારધામ શરૂ કરી દીધું હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે.