
થોડા દિવસ અગાઉ જ વર્લ્ડ મધર ડેની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. માતાના ઠેર ઠેર ગુણગાન ગવાયા હતાં. પરંતુ સુરતમાં એક એવી માતા રહે છે. જેણે કાળી મજૂરી કરીને ત્રણ દીકરાઓનો ઉછેર કર્યો હતો. જો કે, મોટા થયેલા દીકરામાંથી એક ડોક્ટર અને ઉદ્યોગપતિ બની ગયા બાદ માતાને તરછોડી દીધી છે. માતા હાલ નાના દીકરા સાથે રહેવા મજબૂર બની છે. મોટા દીકરાઓ પાસે લખલૂટ સંપત્તિ હોવા છતાં માતાને સારવાર માટે કે ભરણપોષણ માટે રૂપિયા આપતા નથી. ઉલટાની માતાના નામે રહેલી સંપત્તિ પર લોન લઈને કબ્જો કરી બેઠા હોવાનો આક્ષેપ ખુદ માતા લગાવી રહ્યાં છે. ત્યારે ડોક્ટર અનિલે કહ્યું કે, મારી માતા કોઈનો હાથો બનીને આક્ષેપ કરી રહ્યાં છે.
બન્ને દીકરાઓએ રંગ બતાવ્યો
સુરતના પાલ વિસ્તારમાં રહેતા રૈયાબેન રાજાભાઈ ઈટાલીયાએ કહ્યું કે, મારે સંતાનોમાં 3 દીકરા છે. મોટો અમિત અને વચ્ચે ડો. અનિલ પરંતુ આ બન્ને દીકરાઓ હાલ ધાવણ લજાવતા હોય તેવું મારી સાથે કરી રહ્યાં છે. મારા પતિનું પાંચ વર્ષ અગાઉ અવસાન થયું હતું. ત્યારબાદથી આ બન્ને દીકરાઓનો વહેવાર અને નજર બદલી ગયા હતાં. વહુઓ સાથે કંકાસ કરાવતા હતાં. આટલું ઓછું હોય તેમ છેલ્લા છ મહિનાથી સાથે રાખવાની વાત તો દૂર પણ મને મારી સંપત્તિ જે તેના પિતા છોડીને ગયા હતાં. જેમાં મારું દસ્તાવેજમાં નામ છે તે પણ કબ્જે કરીને બેઠાં છે. મોટો દીકરો અમિત ફેક્ટરી ચલાવે છે. પણ મને કંઈ જ આપવા તૈયાર નથી.
જીવન જીવવું દુષ્કર બન્યું
દીકરાને પેટે પાટા બાંધીને કાળી મજૂરી કરીને અનિલને ડોક્ટર બનાવ્યો હતો. એ જ દીકરાને મોટા વરાછા અને હીરાબાગ ખાતે ઈટાલિયા હોસ્પિટલ અને સિમ્સમાં પણ હિસ્સો હોવાનું કહેવાય છે. પરંતુ આજે એ જ દીકરો મારી સારવાર કરવા તૈયાર ન હોવાનું કહેતા માતા રૈયાબેને કહ્યું કે, મને બ્લડ પ્રેશર, થાઈરોઈડ છે. ઘૂંટણમાં દુઃખાવાની સાથે ડાયાબિટિસ પણ છે. પરંતુ મારી સારવાર કરવામાં આવતી નથી. મારા નામે ઘણી પ્રોપર્ટી છે. પરંતુ તેના નામે 35 લાખની સીસી લઈ લેવામાં આવી છે. ડોક્ટર દીકરાને મહિને 30 લાખ જેવી કમાણી હશે. પરંતુ મને આવા માટે તેની પાસે કંઈ જ નથી. હાલ હું સૌથી નાના દીકરા યોગેશ સાથે રહું છું. પરંતુ તેને પણ પિતરાઈ સંપતીમાંથી યોગ્ય હક્ક હિસ્સો આપવામાં આવ્યો નથી. જેથી મારી માગ છે કે, મારી સંપતિમાંથી 3 હિસ્સા યોગ્ય રીતે પડે અને મારે હજુ પણ ત્રણેય સંતાનો એક સરખા હોય ત્રણેયને તેના નામે જે છે તે આપી દેવામાં આવે. મારી પ્રોપર્ટી જે છે તે મને અપાય અને મારી ગેરહાજરીમાં ત્રણેય તેમાંથી ભાગ પાડી લે. આ અંગેની ફરિયાદ પોલીસથી લઈને તંત્રમાં પણ કરી છે. જો કે, મને ન્યાય ઝડપથી મળે તે જ મારી માગ છે.