
ગુજરાતમાં પોલીસની કડક કાર્યવાહી છતાં ઠેર ઠેરથી ચોર તસ્કરોની ટોળકીઓ યથાવતરુપે ચોરીને અંજામ આપી રહ્યા છે. એવામાં નવસારીમાંથી ચોરીની ઘટના સામે આવી રહી છે. નવસારીના શાંતાદેવી વિસ્તારમાં આવેલી ખોડલ ઇમ્પેક્ષ નામની હીરાની પેઢીમાં મોટી ચોરી સામે આવી છે. પેઢીના મેનેજર ગુરુદાસ રામુ સાવંતે કુલ 22.71 લાખની મત્તાની ચોરી કરી છે. જેમના વિરુદ્ધ ચોરી તેમજ છેતરપિંડીની કલમ સાથેની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં થઈ છે.
સુરત નિવાસી આશિષ જીવરાજભાઈ ડોબરીયાની આ હીરાની પેઢીમાં છેલ્લા છ વર્ષથી કાર્યરત મેનેજર સાવંતે માલિકનો વિશ્વાસ કેળવ્યો હતો. તેણે પેઢીમાં કામ કરતા આશરે સો કારીગરોમાં પગારના વિતરણ કરવાના 19.48 લાખ રોકડા અને 3.14 લાખના તૈયાર હીરા ચોરી કરી પોતાના વતન મહારાષ્ટ્ર નાસિક ભાગી ગયો હતો જેની જાણ પેઢીના સંચાલકને મળી હતી.
મેનેજર કારખાનામાં કામ કરતા લગભગ 100 કારીગરોનો પગાર પણ લઈને ફરાર થઈ જતા કારીગરોનો પગાર અટવાઈ પડ્યો છે. કારખાનામાં તૈયાર થયેલા 7639 નંગ હીરાની બજાર કિંમત 13.14 લાખ હતી. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુરુદાસ સાવંત વિરુદ્ધ ચોરી અને છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને પકડવા માટે પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર રવાના થઈ છે.