ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારી અને ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના પરિણામે નવસારી શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ, નવસારી શહેરી વિસ્તારની તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.
550થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા
નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે નવસારીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂર્ણા નદીનું જળસ્તર ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર 26 ફૂટ સુધી પહોંચી ગયું હતું, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ સ્થિતિને લીધે 550થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
નવસારીમાં ભારે વરસાદ બાદ રસ્તાઓની દુર્દશા
નવસારીમાં ભારે વરસાદ બાદ રસ્તાઓની દુર્દશા સામે આવી છે. વરસાદને કારણે શહેરના છાપરા રોડ, ગોપાલ નગર, અને રેલવે સ્ટેશન રોડ, ખાડાઓથી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.