
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૬૪મું સફળ અંગદાન થયું હતું. મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના વતની અને સુરત ઉધના વિસ્તારમાં રહેતા શર્મા પરિવારના બ્રેઈનડેડ મનોજકુમારની બે કિડની અને એક લીવરનું દાન થતા ત્રણ જરૂરિયાતમંદને નવજીવન મળશે. બે બહેનો અને પાંચ ભાઈઓમાં સૌથી મોટાભાઈ મનોજકુમારના ત્રણ અંગોનો દાનથી ત્રણને નવજીવન મળશે.
બાથરૂમમાં સ્લીપ થયા હતા
ઉધના વિસ્તારની અંબિકા નગરમાં રહેતા અને સ્ટીચિંગના કારખાનામાં સુપરવાઇઝરનું કામ કરતા ૪૫ વર્ષીય મનોજકુમાર રાધેશ્યામ શર્મા ગત તા.૬ઠ્ઠી એપ્રિલના રોજ સવારે ૦૮:૩૦ વાગે ઘરના બાથરૂમમાં અચાનક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પરિવારજનોએ લીંબુ પાણી આપ્યું હતું. મનોજકુમારને વધુ ગભરામણ થવાથી પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સીમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. જયાં તેમને માથાના ભાગે ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર બ્રેઈન ઈન્જરી( મગજમાં નસ ફાટી જવી) હોવાનું નિદાન થયું હતું. જ્યાં આઈ.સી.યુ.માં શિફટ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. સઘન સારવાર બાદ તા.૦૯મીએ વહેલી સવારે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો. હેમલ, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
પરિવારે સંમતિ આપી
શર્મા પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાછુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ મનોજકુમારના પત્ની આશાદેવી શર્મા અને નાના ભાઈ રોશન શર્મા એ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી. સ્વ.મનોજભાઈને ચાર નાના ભાઈઓ અને બે બહેનો છે. જેમાં સ્વ. મનોજકુમાર સૌથી મોટા ભાઈ હતા. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદાએ પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી અંગદાનના સંકલ્પ કરવા બદલ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
64મું અંગદાન
આજે બ્રેઈનડેડ મનોજભાઈની બે કિડની અને એક લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૬૪મું અંગદાન થયું છે.