
ગુજરાતમાં નકલી વ્યાવસાયિકો ઝડપાવવાની હારમાળ સર્જાઈ રહી છે. ગુજરાતભરમાંથી નકલી ડોક્ટર, નકલી જજ, નકલી પોલીસ, નકલી વકીલ સહિતના અનેક લોકો ઝડપાયા છે. રાજ્યના અંતરિયાળ તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવા નકલી ઠગ પોતાની ખોટી ઓળખથી રુઆબ હાંકતા હોય છે અને લોકો સાથે ઢગાઈ આચરતા હોય છે. એવામાં પંચમહાલમાંથી એક સરકારી કર્મચારી હોવાની ઓળખ આપતો એક શખ્સ ઝડપાયો છે.
ગાડી પર નંબર પ્લેટની જગ્યાએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખાવીને ફરતો
પંચમહાલ જિલ્લાના હાલોલમાં રહેતો યુવક પોતાની ફોરવ્હીલર ઉપર બીકન લાઈટ લગાવીને નંબર પ્લેટની જગ્યાએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખાવીને ફરતો હતો. તે પોતાની ઓળખ સરકારી કર્મચારી હોવાની આપીને રુઆબ કરતો હતો. મામલાની જાણ હાલોલ પોલીસને થતાં ગઈકાલે મોડી રાત્રે પોલીસે યુવકના ઘરે છાપો માર્યો હતો. જેમાં પોલીસે બીકન લાઈટ લગાવેલી તેની ફોરવ્હીલર કબ્જે કરી યુવકની ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, હાલોલના ધ્રુવ વાણંદ નામના યુવક સામે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.