
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ટીપી સ્કીમમાં સુધારણા અને ફેરફાર કરી ભાજપના ચોક્કસ આગેવાનોનું હિત જાળવવા માટે ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાની ચૂંટાયેલી નવી બોડી કામ કરી રહી હોવાનું શહેર કોંગ્રેસ અને નગરપાલિકાના વિપક્ષના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા શહેરોના સંતુલિત અને યોગ્ય વિકાસ માટે નવી નગર રચનાઓ લાગુ કરવામાં આવી હતી જેને લઇ નગરજનોને વિવિધ પ્રકારની સુવિધા મળી રહે ત્યારે નગર રચનામાં સુધારણા કરવા માટે આગામી જનરલ બોર્ડમાં એજન્ડા લેવામાં આવ્યો છે. ત્યારે ધોરાજી શહેર કોંગ્રેસ અને નગરપાલિકાના વિપક્ષના હોદ્દેદારો દ્વારા તેના વિરોધ સાથે આક્ષેપો કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે તેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં નવા આરોગ્ય કેન્દ્ર આધુનિક સ્કૂલ બાગ બગીચા વ્યવસાયિક સોપાનો રોડ રસ્તા સહિતના લાભો પ્રજાને મળવાના થતા હોય છે જે ટીપી સ્કીમ રદ કરવા અથવા સુધારણા કરવાના નામે પ્રજાનું હિત કરી ભાજપના ચોક્કસ આગેવાનોને આર્થિક લાભ કરાવવાની ભાજપની નીતિ જાહેર થઈ ચૂકી છે.
ભાજપના અંગત મળતીયાઓને લાભ અપાવવા ટીપી સ્કીમમાં સુધારણા ઠરાવ લાગુ કરાયો
ધોરાજી નગરપાલિકાના વિપક્ષના નેતા ડીએલ ભાષાએ જણાવ્યું હતું કે, ભાજપના અંગત મળતીયાઓને લાભ અપાવવા માટે ધોરાજી નગરપાલિકામાં ટીપી સ્કીમમાં સુધારણા માટેનો ઠરાવ લાગુ કરી, પ્રજાને મળતી સુવિધા છીનવવા તેમજ ભાજપના ચોક્કસ આગેવાનોને આર્થિક લાભ કરાવવા માટેનો કારસો રચવામાં આવ્યો છે. જેને લઇ પ્રજાની મળનારી નવી સુવિધાથી જિલ્લો વંચિત રહેશે.
ધોરાજી નગરપાલિકાના કોંગ્રેસના સદસ્ય અને વિપક્ષના દંડક યુસુફભાઈ નવીવાલાએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા નગર રચના રદ કરવામાં કે સુધારણા કરવામાં આવે તો ધોરાજીની પ્રજા પર ત્રણ કરોડથી વધુનો બોજો પડે તેમ છે. ધોરાજીની પ્રજાના વિકાસ માટે ખર્ચ કરવાની રકમ ભાજપના આગેવાનોના ફાયદા માટે વપરાશે. પ્રજાના પૈસે ભાજપના એક બે વ્યક્તિને લાભ અપાવવા માટે ભાજપ અને નગરપાલિકાની ભાજપની બોડી પ્રયાસો કરી રહી છે જે નિંદનીય છે.
નગર રચના એક અને નગર રચના બે જેમાં આંશિક રીતે ફેરબદલ કરવા ભાજપના આગેવાનોએ પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે સરકારમાં ગેરમાર્ગે દોરતી રજૂઆત કરી છે. પ્રજાનો વિકાસ રૂંધાય લોકોને સવલતો ન મળે અને પ્રજાના પૈસે ભાજપના આગેવાનોના કામ થઈ જાય તે પ્રકારે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે.
ધોરાજી વિપક્ષના આગેવાનોએ જણાવ્યું હતું કે, આગામી બોર્ડમાં નગર રચના મામલે જે મુદ્દો ઠરાવમાં લેવામાં આવ્યો છે તેનો વિરોધ કોંગ્રેસના નગરપાલિકાના તમામ સદસ્યો કરશે અને લેખિતમાં વિરોધ નોંધાવશે. તેમજ હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે.