
રણદીપ રાય : ના, મારું પત્તું કપાયું નથી
ધારાવાહિક 'અનુપમા'માં 'આર્યન'ની ભૂમિકાને બહુ જલદી વિરામ આપી દેવામાં આવતાં દર્શકોમાં એવી વાતો વહેતી થઈ હતી કે રણદીપ રાયને શોમાંથી તગેડી મૂકવામાં આવ્યો છે, તેના કિરદારને ટૂંકાવી નાખવામાં આવ્યું છે. પરંતુ અભિનેતાએ આવી વાતો પર પૂર્ણવિરામ મૂકતાં કહ્યું હતું કે ન તો શોમાંથી મારું પત્તું કાપવામાં આવ્યું છે કે ન મારા કિરદારને ટૂંકાવવામાં આવ્યું છે. સીરિયલ સર્જકો સાથેની મારી પહેલી મીટિગમાં જ મને જણાવી દેવામાં આવ્યું હતું કે 'આર્યન'નું મૃત્યુ થશે. અને મારું કામ માત્ર દોઢ મહિના પૂરતું જ સીમિત છે. મેં મારી કારકિર્દીનો આરંભ 'યહ ઉન દિનોં કી બાત હૈ'થી કર્યો હતો. આ શોમાં માત્ર યુવાપેઢી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આવા શો યુવાનોને ટીવી તરફ ચોક્કસપણે આકર્ષી શકે. પરંતુ વર્ષ ૨૦૧૬ પછી આવી એકેય ધારાવાહિક બનાવવામાં નથી આવી. તે વધુમાં કહે છે કે જો આ શોની સીકવલ બનાવવામાં હોય તો હું તેમાં અચૂક કામ કરું.
રૉનિત રૉય ઐતિહાસિક શોમાં
ટચૂકડા પડદાનો અમિતાભ બચ્ચન ગણાતો અભિનેતા રૉનિત રૉય આ પાત્ર ભજવી રહ્યો છે. સામાન્ય રીતે વીર યોધ્ધા પૃથ્વીરાજ ચૌહાણની વાત આવે ત્યારે તેની રાજકુમારી સંયોગિતા સાથેની પ્રેમગાથા વધુ સંભારવામાં આવે છે. પરંતુ ટીવી પર રજૂ થયેલા આ ઐતિહાસિક શોમાં ચક્રવર્તી સમ્રાટની વીરતા, તેજસ્વીતા, બેમિસાલ સૈન્ય રણનીતિ પણ રજૂ કરવામાં આવશે. ૧૨મી સદીમાં મોહમ્મદ ગૌરી સામે ઐતિહાસિક યુધ્ધ લડીને સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે ઈતિહાસ રચ્યો હતો. અને સમ્રાટના પાત્રમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો રૉનિત રૉય બિલકુલ બંધ બેસે છે. અહીં એ વાતની નોંધ લેવી રહી કે રૉનિત રૉય અને આ શોનો બાળકલાકાર ઉર્વા સવાલિયા પૃથ્વીરાજ ચૌહાણની વીરગાથાઓના સાક્ષી સમાન અજમેરના ઐતિહાસિક તારાગઢ કિલ્લાની મુલાકાત ટૂંક સમયમાં લેવાના છે.
નકુલ મહેતા ફરીવાર પપ્પા બનશે
ધારાવાહિક 'પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા' (૨૦૧૨)થી ટીવી ધારાવાહિકોની દુનિયામાં કદમ માંડનાર અભિનેતા નકુલ મહેતાએ પછીથી 'ઇશ્કબાઝ', 'બડે અચ્છે લગતે હૈં' જેવી સીરિયલોમાં કામ કરીને ખાસ્સાં કીર્તિ-કલદાર રળ્યાં. પરંતુ આજે આપણે તેના વ્યાવસાયિક નહીં, વ્યક્તિગત જીવનની વાત કરીશું. તાજેતરમાં અભિનેતા અને તેની ગાયિકા પત્ની જાનકી પારેખે સોશ્યલ મીડિયા પર ફોટોશૂટના માધ્યમથી એક ખુશખબર આપ્યાં હતાં. તેમણે દર્શાવ્યું હતું કે તેઓ બીજી વખત મમ્મી-પપ્પા બનવાના છે. તેમણે જાનકીની ગર્ભાવસ્થાને ઉજાગર કરતાં ફોટામાં પોતાના ચાર વર્ષના પુત્ર 'સુફી'ને પણ સામેલ કર્યો હતો. તેમણે આ ફોટા સાથેની પોસ્ટમાં લખ્યું હતું કે અમારો પુત્ર વધારાની જવાબદારી લેવા તૈયાર છે, અને અમે પણ. ઈશ્વરે અમારા પર ફરીથી વરસાવેલા આશિર્વાદનું અમે સ્વાગત કરીએ છીએ. તેમની આ પોસ્ટ જોતાવેંત ટીવી અને ફિલ્મ જગતના કલાકારો ઉપરાંત તેમના પ્રશંસકોએ પણ નકુલ-જાનકી પર વધામણાંની વર્ષા કરી હતી.
શાઇની દોશી : મારું ધાર્યું ક્યારેય પાર નથી પડયું
છેલ્લે 'પંડયા સ્ટોર' (૨૦૨૩)માં જોવા મળેલી અભિનેત્રી શાઈની દોશીએ હમેશાંથી ટચૂકડા પડદાને વહાલો કર્યો છે. હાલના બે વર્ષના બ્રેક માટે તે કહે છે કે મેં આ અંતરાલ ઈરાદાપૂર્વક નથી રાખ્યો. પરંતુ મને ઝડપી લેવાનું મન થાય એવી ઑફર નથી મળી રહી. અદાકારા વધુમાં કહે છે કે મને એ વાતનો ખાસ રંજ પણ નથી. આનું કારણ આપતાં શાઈની કહે છે કે વર્ષ ૨૦૨૧માં મારા લગ્ન થયાં ત્યારે હું 'પંડયા સ્ટોર'માં કામ કરતી હતી. અને વિવાહ થયા પછીના બે વર્ષ સુધી હું તેમાં અવિરત કામ કરતી રહી. પણ આ શો પર પડદો પડયો પછી મેં મારા અર્થમાં વિવાહિત જીવનનો આનંદ માણ્યો.
જોકે મારા પતિ હમેશાં મારી પડખે રહ્યાં છે. પરંતુ આ બ્રેકને પગલે મને મારો પોતિકો વિકાસ કરવાનો, પોતાના માટે જીવવાનો સમય મળી રહ્યો છે. અગાઉ 'બહુ હમારી રજની કાંત' અને 'જમાઈ રાજા'માં કામ કરી ચૂકેલી શાઈની ઉમેરે છે કે અત્યાર સુધી મારી કારકિર્દી જે રીતે ઘડાઈ છે તેનાથી હું ખુશ છું. હું આર્થિક રીતે ઠરીઠામ ન થઈ ત્યાં સુધી મેં ટેલિવિઝન પર જવાનું જારી રાક્યું, અભિનયને ઊંડાણપૂર્વક સમજવાનું અને તેની સરાહના કરવાનું મેં ત્યાર બાદ શરૂ કર્યું. આજે હું મારી ૧૩-૧૪ વર્ષની કારકિર્દી વિશે વિચારું છું ત્યારે મને સમજાય છે કે મેં જ્યારે, જે ધાર્યું કે અપેક્ષા રાખી ત્યારે હું તે નથી પામી. પણ જ્યારે મેં તેની આશા છોડી દીધી ત્યારે મને તે ચમત્કારની જેમ મળ્યું છે. મારા જીવનમાં આવેલા શ્રેષ્ઠ અવસર નિયોજિત નહોતા.