
વિદેશ મંત્રી એસ.જયશંકરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે જયશંકર હવે બુલેટપ્રૂફ કારમાં ચાલશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે જયશંકરની વધેલી સુરક્ષામાં ખાસ બુલેટપ્રૂફ કારને સામેલ કરી છે. દિલ્હીમાં તેમના ઘરની આસપાસ પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. જયશંકરને પહેલાથી જ Z કેટેગરીની સુરક્ષા મળેલી છે, જે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના કમાન્ડો તરફથી આપવામાં આવે છે, તેમની સુરક્ષા માટે 33 કમાન્ડોની એક ટીમ 24 કલાક તૈનાત રહે છે.
જયશંકરની સુરક્ષાનું સ્તર Yથી Z કેટેગરી કરવામાં આવ્યું
ગત વર્ષે ઓક્ટોબરમાં જયશંકરની સુરક્ષાનું સ્તર Yથી વધારીને Z કેટેગરી કરવામાં આવ્યું હતું. CRPFએ દિલ્હી પોલીસ પાસેથી જયશંકરની સુરક્ષાનો પ્રભાર સંભાળ્યો હતો. 69 વર્ષના જયશંકરન વર્તમાનમાં CRPF કર્મીઓની એક સશસ્ત્ર ટીમ તરફથી 24 કલાક Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી રહી છે. દેશભરમાં તેમના પ્રવાસ દરમિયાન એક ડઝનથી વધારે સશસ્ત્ર કમાન્ડો તેમની સુરક્ષા કરશે.
210થી વધુ લોકોને VIP સુરક્ષા આપી રહી છે CRPF
CRPF વર્તમાનમાં 210થી વધુ લોકોને VIP સુરક્ષા આપી રહી છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, દલાઇ લામા અને કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સામેલ છે. વિદેશ મંત્રીની સુરક્ષા વધારવાનો નિર્ણય 22 એપ્રિલે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતની નિર્ણાયક સૈન્ય પ્રતિક્રિયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ બાદ લેવામાં આવ્યો છે.
પહેલગામ આતંકી હુમલો, ઓપરેશન સિંદૂર અને સીઝફાયર
22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના 15 દિવસ બાદ ભારતીય સેનાએ 7 મેએ 'Operation Sindoor' હેઠળ પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાને નષ્ટ કર્યા હતા જેમાં કેટલાક કુખ્યાત આતંકી પણ માર્યા ગયા હતા. તે બાદ બન્ને દેશો વચ્ચે સ્થિતિ બગડી હતી. પાકિસ્તાન તરફથી ભારતના શહેરોને નિશાન બનાવવામાં આવ્યા બાદ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલાને નિષ્ફળ બનાવતા તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતે જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાનના 14 સૈન્ય ઠેકાણાને ધ્વસ્ત કર્યા હતા. પાકિસ્તાને 10 મેએ ભારત સામે સીઝફાયરનો પ્રસ્તાવ મુકયો હતો જેને બન્ને દેશોએ ચર્ચા બાદ લાગુ કર્યો હતો.