
Ahmedabad News: અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ઠલવાતા પ્રદૂષિત પાણી મામલે હાઇકોર્ટ વારંવાર રાજ્ય સરકાર અને મ્યુનિ. કોર્પોરેશનને ફટકાર લગાવી ચૂકી છે. તંત્ર દ્વારા પગલાં લેવાતા હોવાનો દેખાડો પણ કરવામાં આવે છે. પરંતુ, સ્થિતિમાં કોઈ ફરક નથી પડતો. જોકે, દિવસેને દિવસે પ્રદૂષણ વધી રહ્યું છે. શાસ્ત્રી બ્રિજથી આગળ થોડા થોડા અંતરે નદીના પટમાંથી લેવાયેલા સેમ્પલમાં પાણીનો કલર રીતસર બદલાતો જોવા મળ્યો છે!
માણસ નહીં જમીન માટે પણ જોખમી છે આ પાણી
રાજસ્થાનમાં અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળીને ખંભાતના અખાતમાં અરબ સાગરને મળતી 371 કિ.મી લાંબી સાબરમતી નદી અમદાવાદ શહેરની આગવી ઓળખ છે. છેલ્લા અઢી-ત્રણ દાયકાથી વધેલા ઔદ્યોગિકરણ વચ્ચે સાબરમતી નદીમાં બેરોકટોક ઝેરી કેમિકલવાળા પાણી ઠલવાઈ રહ્યા છે. સાડા ત્રણેક વર્ષ પહેલાં નદીના પાણીના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ કરાવાતાં નદીનું પાણી માણસ જ નહીં, પરંતુ જમીન માટે પણ જોખમી હોવાનું સામે આવ્યું હતું.
સાબરમતી પાણીના વિવિધ રંગો
મન્કી મેન તરીકે ઓળખાતા નારોલના સ્વપ્રીલ સોનીએ ફરી વખત સાબરમતી નદીના પાણીના નમૂના લીધા હતા. આ અંગે વિગતો આપતાં તેમણે જણાવ્યું છે કે, શાસ્ત્રી બ્રિજ નીચે પાણી પીળા રંગનું હતું. પીપળજ અને કમોડ વચ્ચે કાળા તથા કાસીન્દ્રા પાસે લીલા રંગનું પાણી જોવા મળ્યું હતું. જ્યારે ધોળકા હાઇવે પર સરોડા પાસેના બ્રિજ નીચેથી લેવાયેલા સેમ્પલમાં સાબરમતીનું પાણી લાલ રંગનું દેખાઈ રહ્યું છે! આ તમામ સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નારોલ અને પીપળજ સહિતના વિસ્તારોમાં ચાલતા સેંકડો એકમો દ્વારા રાત્રિના સમયે સાબરમતી નદીમાં ઝેરી કેમિકલવાળા પાણી છોડાય છે. પ્રદૂષિત બનેલી નદી જ્યાંથી પસાર થાય છે, તેની આસપાસના વિસ્તારની જમીન પણ બગડી છે. છેક ખંભાતના અખાત સુધી ખરાબ અસર જોવા મળે છે. નદીની કોતર અને ઝાડી-ઝાંખરામાં વસવાટ કરતાં વન્યજીવોને ગંભીર માઠી અસર પડે છે.
સરકારી વિભાગોની મીલીભગત
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સાબરમતી નદીમાં ઠાલવાતા અતિશય પ્રદૂષિત પાણીમાં તમામ સરકારી વિભાગોની મીલીભગત છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, રેવન્યુ તંત્ર, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન, પોલીસ સહિતના વિભાગો પાસે પગલાં લેવાની સત્તા હોવા છતાં કોઈ હરફ સુદ્ધાં ઉચ્ચારતા નથી. કારણ કે, નદીમાં કેમિકલ ભરેલું ટેન્કર ઠાલવવાના રીતસરના ભાવ નક્કી કરાયેલા છે!
ઑક્ટોબર 2021માં કરાયેલો સાબરમતીના પાણીનો રિપોર્ટ
પીવાના કે નદીના સ્વચ્છ પાણીમાં આ ત્રણેય બાબત મહત્વની હોય છે. સામાન્ય સરેરાશ કરતાં સાબરમતીના પાણીમાં તેનું કેટલું ઉંચુ પ્રમાણ છે તે આ રિપોર્ટમાં દર્શાવે છે. છે. આ સિવાય પીએચ, ટોટલ સોલિડ, સસ્પેન્ડેડ સોલિડ, વોલેટાઈલ સસ્પેન્ડેડ સોલિડ, ક્લોરાઈડ, સલ્ફેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે તત્વો પણ આ રિપોર્ટમાં અસામાન્ય આવ્યા હતા. નાના છાપરા ગામ, બાકરોલ બ્રિજ અને મીરોલી-નવાપુરા વચ્ચે ખેતર નજીકથી આ નમૂના લેવાયા હતા.