બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને 5 મે, 2025ના રોજ ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં આયોજિત મેટ ગાલા 2025માં પોતાના પહેલા લુકથી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
મેટ ગાલાની જાહેરાત થઈ ત્યારથી, ફેન્સ અભિનેતાના લુકની રાહ જોઈ રહ્યા હતા જે આખરે જાહેર થયો છે. આ વખતે શોની થીમ "સુપરફાઈન: ટેલરિંગ બ્લેક સ્ટાઇલ" હતી, અને પ્રખ્યાત ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીના ઓલ-બ્લેક સૂટમાં શાહરૂખનો જલવો જોવા મળ્યો. તેના સ્ટાઇલિશ અંદાજે ભારતીય ફેશનને વૈશ્વિક મંચ પર ચમકાવી છે.
નર્વસ હતો શાહરુખ ખાન
મેટ ગાલા 2025માં પોતાના ડેબ્યુ વખતે શાહરૂખે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો અને ઈતિહાસ રચ્યા પછી તેની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું હતું. "મને ઈતિહાસ ખબર નથી, પણ હું ખૂબ જ નર્વસ અને ઉત્સાહિત છું. સબ્યસાચીએ જ મને અહીં આવવા માટે મનાવ્યો હતો. મેં વધુ રેડ કાર્પેટ ઈવેન્ટ અટેન્ડ નથી કરી, હું ખૂબ જ શરમાળ છું, પણ અહીં હોવું અદ્ભુત છે."
સબ્યસાચી શાહરૂખ ખાન વિશે વાત કરે છે
આજે બીજી વખત મેટ ગાલામાં હાજરી આપનારા પ્રખ્યાત ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીએ પણ બોલિવૂડ સુપરસ્ટાર વિશે વાત કરી હતી. કિંગ ખાનના ઓરા વિશે વાત કરતાં, ડિઝાઇનરે કહ્યું, "આજે હોટેલમાંથી બહાર નીકળતી વખતે લગભગ ભાગદોડ મચી ગઈ હતી અને જ્યારે તમે રેડ કાર્પેટ પર આવા માણસને જુઓ છો, ત્યારે મને લાગે છે કે પ્રતિનિધિત્વ સૌથી મહત્ત્વપૂર્ણ છે. તેથી અમે શાહરૂખ ખાનને શાહરૂખ ખાન તરીકે રજૂ કરવા માંગતા હતા."
શાહરૂખના લુકમાં રોયલ અને રેબલનું મિશ્રણ
શાહરૂખનો મેટ ગાલા લુક રોયલ્ટી અને બોલ્ડ સ્ટાઇલનું પરફેક્ટ મિશ્રણ હતું. તેણે સબ્યસાચીનો ઓલ-બ્લેક સૂટ પહેર્યો હતો, જેમાં હાઈ-વેસ્ટ ટ્રાઉઝર, ક્રીમ સિલ્ક શર્ટ અને લોંગ સિંગલ-બ્રેસ્ટેડ કોટ હતો. કોટમાં જાપાનીઝ હોર્ન બટનો અને પહોળા લેપલ્સ હતા, જે તેને ક્લાસિક દેખાવ આપતા હતા. તેના લુકનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ તેની જ્વેલરી હતી. શાહરૂખે મલ્ટી લેયર્ડ ગોલ્ડ ચેઇન પહેરી હતી, જેમાં એક મોટું 'K' પેન્ડન્ટ પણ હતું, જે તેના 'કિંગ ખાન' બિરુદનું પ્રતિનિધિત્વ કરે છે.
આ ઉપરાંત, 'SRK' લખેલું ચોકર, હીરા સ્ટડેડ સ્ટાર લેપલ પિન અને અનેક વીંટીઓએ તેના લુકમાં ચાર ચાંદ ઉમેર્યા હતા. તે સબ્યસાચીના 25મી એનિવર્સરીના જ્વેલરી કલેક્શનથી પ્રેરિત હતું, જે રોયલ બંગાળ ટાઈગરની ઉજવણી કરે છે. તેની હેરસ્ટાઇલ અને સનગ્લાસ તેના લુકમાં સ્ટાઇલ ઉમેરતા હતા.
શાહરૂખના લુક પર લોકોની પ્રતિક્રિયા
શાહરૂખનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ફેન્સે "કિંગ ખાનનો જલવો!" અને "આ દેખાવ ઈતિહાસ બનાવશે" જેવી કમેન્ટ સાથે તેના વખાણ કર્યા હતા. કેટલાક લોકોએ આ જ્વેલરીને થોડી વધુ પડતી ગણાવી, પરંતુ મોટાભાગના લોકોએ તેના સ્ટાર પાવરની પ્રશંસા કરી હતી.
મેટ ગાલામાં ભારતનું વર્ચસ્વ
શાહરૂખ મેટ ગાલામાં ડેબ્યુ કરનાર પ્રથમ ભારતીય પુરૂષ અભિનેતા છે. તેની સાથે કિયારા અડવાણી, દિલજીત દોસાંઝ, પ્રિયંકા ચોપરા અને ઈશા અંબાણીએ પણ વૈશ્વિક મંચ પર ભારતીય ફેશનને ચમકાવી છે. આ કાર્યક્રમની સહ-અધ્યક્ષતા ફેરેલ વિલિયમ્સ, કોલમેન ડોમિંગો અને લુઈસ હેમિલ્ટન દ્વારા કરવામાં આવી હતી. શાહરૂખનું આ ડેબ્યુ માત્ર ફેશનનું જ નહીં પરંતુ ભારતીય સિનેમાની શક્તિનું પણ પ્રતીક છે.