
અચાનક આવેલા વાતાવરણના પલટાથી ચોમાસું વહેલું શરૂ થઈ ગયું છે. મુંબઈની સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. આજે (27 મે) મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ
સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના ઓલપાડ, કામરેજ, માંગરોળ અને માંડવી સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ડાંગર, કેરી અને કેળાના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. તો બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે.
સુરતમાં ડાંગરનો પાક મંડળીઓમાં જમા કરાવવા લાંબી લાઈન
સુરત જિલ્લાના અનેક ગામડાંઓમાં ડાંગર પકવી ચૂકેલા ખેડૂતો સામે ફરી એકવાર કુદરતનો કહેર ઊભો થયો છે. રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસોમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી આપી છે, જેના પગલે ડાંગરનો પાક લઈ બેઠેલા ખેડૂતોમાં ફરી એકવાર ચિંતા પ્રસરી છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર, અગાઉની કમોસમી વરસાદી સિઝનમાં તેમના પાકને પહેલેથી મોટાપાયે નુકસાન થઈ ચૂક્યું છે. હાલમાં હવામાન વિભાગની આગાહીથી ગભરાયેલા અનેક ખેડૂતો પોતાના પાક બચાવવા માટે તાત્કાલિક ડાંગર મંડળીઓમાં જમા કરાવવા પહોંચી ગયા છે. પરંતુ ત્યાં પણ તેમને આરામ નહીં, પણ અસ્થિરતાથી ભરેલી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
ભરૂચમાં ગાજવીજ સાથે મોડીરાથી વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણી-પાણી થતાં જનજીવન પર તેની અસર વર્તાઈ રહી છે. વરસાદને પગલે નોકરી-ધંધાએ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
નવસારી જિલ્લામાં 1.5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો
નવસારી જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. ચીખલી અને વાંસદામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદને કારણે ખાસ કરીને ખેતીમાં નુકસાનની ઘટનાઓ સામે આવી રહી છે. ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ જતાં વાવણી પૂર્વ તૈયારી ખોરવાઈ છે, જ્યારે કેરી ખરી જતાં ખેડૂતોએ નુકસાન સહન કરવું પડી રહ્યું છે.