
પાકિસ્તાનની જાસુસી એજન્સી માટે જાસૂસીના આરોપમાં વધુ એક ગદ્દારની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસની જાસુસી શાખાએ દિલ્હી સ્થિત નૌસેના ભવનમાંથી એક અપર ડિવિઝન ક્લાર્ક (UDC)ને જાસૂસીના આરોપમાં ધરપકડ કરી છે.
પોલીસ મહાનિરીક્ષક (CID-સુરક્ષા) વિષ્ણુકાંત ગુપ્તાના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ વિશાલ યાદવ તરીકે થઈ છે, જે હરિયાણાના રેવાડી જિલ્લાના પુંસિકાનો રહેવાસી છે. ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, 1923 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
વિશાલ યાદવ મહિલા હેન્ડલરના સંપર્કમાં હતો- પોલીસ
વિષ્ણુકાંત ગુપ્તાએ જણાવ્યું કે, રાજસ્થાન પોલીસની CID ઇન્ટેલિજન્સની ટીમ પાકિસ્તાનની જાસૂસી એજન્સીની ગતિવિધિઓ પર સતત નજર રાખતી હતી. આ દરમિયાન સૂચના મળી કે નૌસેના ભવન દિલ્હીના 'ડાયરેક્ટરેટ ઓફ ડૉકયાર્ડ'માં તૈનાત વિશાલ યાદવ એક મહિલા હેન્ડલરના સંપર્કમાં છે, જે ખુદને પ્રિયા શર્મા તરીકે રજૂ કરતી હતી. તે સોશિયલ મીડિયા દ્વારા વિશાલના સંપર્કમાં આવી હતી અને તેને પૈસાની લાલચ આપીને મહત્ત્વની જાણકારી શેર કરવા માટે ઉકસાવતી હતી.
ઓનલાઇન ગેમ રમતો હતો વિશાલ યાદવ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે વિશાલ યાદવ ઓનલાઇન ગેમિંગ રમતો હતો અને આર્થિક જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે તેને પાકિસ્તાનની મહિલા એજન્ટને સંરક્ષણ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી આપવાનું શરૂ કર્યું હતું. વિશાલ યાદવને તેના બદલે ક્રિપ્ટોકરન્સી અને બેન્ક ખાતા દ્વારા રકમ મળતી હતી. તપાસમાં એવી પણ ખબર પડી કે તેને 'Operation Sindoor' જેવા સંવેદનશીલ અભિયાનોની જાણકારી પણ શેર કરી હતી.