નડિયાદમાં બિલોદરાની પ્રાથમિક શાળામાં બાળકોનું ભણતર જીવના જોખમે કરવા મજબૂર. બિલોદરના પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ નદીનો બ્રિજ જોખમી રીતે પસાર કરીને ભણી રહ્યા છે. વહીવટી તંત્રની કુંભકરણની નિંદ્રા સામે સરપંચ અને ગામના યુવાનો વિદ્યાર્થીઓની મદદે આવ્યા છે.
બાળકો ફફડતા બ્રિજ પાર કરી રહ્યા છે
ખેડાના જિલ્લાના નડિયાદમાં બિલોદરાના પ્રાથમિક શાળામાં બાળકો જીવના જોખમે ભણતર કરવા મજબૂર બન્યા છે. નાના ભૂલકાઓ જોખમી રીતે બ્રિજ પસાર કરીને શાળાએ ભણવા માટે જઈ રહ્યા છે. નાના ભૂલકાઓ 60 ફૂટ નીચે જોતાં જ ચક્કર આવી જાય તેવી સ્થિતિમાં ફફડતા બ્રિજ પસાર કરી રહ્યા છે. બિલોદરા શાળાના આચાર્ય દ્વારા પણ બાળકોની સ્થિતિ અંગે ચિંતિત હોવાનું જણાવી રહ્યા છે. કેટલીય ફરિયાદ અને રજૂઆતો કર્યા બાદ પણ છેલ્લા કેટલાય દિવસથી આ સ્થિતિ યથાવત રહી છે.
સરપંચ અને યુવાનો બાળકોની મદદે આવ્યા
બાળકોની અને શાળાની જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હોવા છતાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને પગલે બાળકો હાલ ભયના ઓથાર નીચે ભણવા મજબુર બન્યા છે. બિલોદરાના પૂર્વ સરપંચ દ્વારા બાળકોની સ્થિતિને લઈને બ્રિજ ઉપર શાળાના સમય દરમ્યાન હજાર રહી મદદમાં જોડાય છે. સાથે જ ગામના યુવા સભ્યો દ્વારા ટીમ બનાવી ને બાળકો ને નદીના બ્રિજ ને પાર કરવા માટે મદદ કરી રહ્યા છે. જિલ્લા માર્ગ મકાન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવાને બદલે હાલ બેદરકારી દાખવી બાળકોને ભગવાન ભરોષે મૂકી રહ્યા છે .
આવેદનો આપ્યા બાદ પણ તંત્ર બેફિકર
ખેડા જિલ્લા કલેક્ટરને આ ઘટના મુદ્દે આપવામાં આવેલ આવેદનપત્ર ફાઈલમાં અટવાયું છે અને તંત્ર બેફિકર છે. સંવેદનશીલ મુખ્યમંત્રીના રાજ્યમાં ખેડા જિલ્લા વહીવટી તંત્રની સંવેદનશીલતા ક્યાય નજરે પડતી નથી. ભણશે ગુજરાતના નારામાં બિલોદરાના બાળકોનું ભાવિ અને ભણતર બંને બગડી રહ્યું છે. બિલોદરા અને આજુબાજુના ગ્રામજનોની ડાઇવર્ઝનની માગણી સંતોષવામાં આવે તેવી સ્પષ્ટ માંગ છે. રસ્તા પર મૂકવામાં આવેલ સાઈન બોર્ડ પણ સાઇડે ઊંધા મુકાઈ ગયા છે.