
જમ્મુ કાશ્મીર: કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ થયું છે. મળતી માહિતી મુજબ TRFના ટોચના કમાન્ડરને ઘેરી લેવામાં આવ્યો છે.
સવારે LoC પર બે આતંકવાદીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને 28 લોકોની હત્યા કરનારા આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં, સુરક્ષા દળોને બારામુલ્લામાં મોટી સફળતા મળી છે. ભારતીય સેનાએ અહીં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી બે રાઇફલ સહિત મોટી માત્રામાં હથિયારો અને વસ્તુઓ જપ્ત કરી છે.
આ કાર્યવાહી દરમિયાન, સેનાએ હાજી પીર સેક્ટરમાં બે ઘુસણખોરોને ઠાર માર્યા અને દારૂગોળો જપ્ત કર્યો. નિયંત્રણ રેખા (LoC) પર હાથ ધરવામાં આવેલ આ ઓપરેશન વિસ્તારમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા દર્શાવે છે. જપ્ત કરાયેલી વસ્તુઓમાં 2 એસોલ્ટ રાઇફલ, દારૂગોળો અને યુદ્ધ સંબંધિત અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આ આતંકવાદીઓ પાસેથી કારતૂસ, પાકિસ્તાની ચલણ, ચોકલેટ અને સિગારેટના પેકેટ પણ મળી આવ્યા હતા. આતંકવાદીઓ દારૂગોળાની મદદથી કાશ્મીરમાં મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા પરંતુ ઘૂસણખોરી દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં તેઓ માર્યા ગયા.
પહેલગામ હુમલા બાદ એલર્ટ
મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને સુરક્ષા એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદોના સ્કેચ પણ જાહેર કર્યા છે. સોમવારે રાત્રે ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા અને સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. આ પછી, તેમણે મંગળવારે પહેલગામની બૈસરન ખીણની પણ મુલાકાત લીધી, જ્યાં આતંકવાદીઓએ 28 લોકોની હત્યા કરી હતી.