
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 10 દિવસોથી ચાલી રહેલો સંઘર્ષ આજે વિશ્વભરમાં ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો મંડાઈ રહ્યો છે. ઈરાન પર અમેરિકી હુમલા બાદ રશિયાએ સોમવારે ઈરાન હરસંભવ મદદ કરવાની વાત કરી છે. વધતા તણાવ વચ્ચે સોમવારે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, રશિયા ઈરાનને શક્ય તમામ મદદ આપવા તૈયાર છે. તેમણે કહ્યું કે, ઈરાનને કેવા પ્રકારની મદદ જોઈએ છે, તેનો નિર્ણય તેહરાને કરવાનો છે. અમે ઈરાનને દરેક પ્રકારની મદદ કરવા માટે તૈયાર છીએ.
તણાવ વચ્ચે રશિયાએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
રશિયાએ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. પેસ્કોવે કહ્યું કે, રશિયાનું આ વલણ ઈરાનને સમર્થન કરવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. અમે આ મુદ્દે ખુલ્લેઆમ અમારું વલણ દુનિયા સમક્ષ મૂક્યુ છે.
પેસ્કોવે કહ્યું કે, 'હાલમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીતમાં ઈરાનનો મુદ્દો ઘણીવાર ઉઠ્યો હતો. રાષ્ટ્રપતિ પુતિન અને ટ્રમ્પની હાલમાં થયેલી વાતચીતમાં ઈરાનનો ઉલ્લેખ ઘણીવાર થયો છે.'
પુતિને અમેરિકી હુમલાની નિંદા કરી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પરમાણુ ઠેકાણા પર અમેરિકાએ કરેલા હુમલાની નિંદા કરી છે. તેમણે સોમવારે મોસ્કોમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાધચી સાથે મુલાકાત દરમિયાન આ હુમલાને કારણ વગરનો ગણાવ્યો હતો. પુતિને કહ્યું કે, તમે એવા સમયે રશિયામાં આવ્યા છો, જ્યારે તમારા દેશ અને સમગ્ર વિસ્તારની હાલત ખૂબ તણાવપૂર્ણ છે. તેમણે અમેરિકી હુમલાને અયોગ્ય ગણાવતાં કહ્યું કે, રશિયા ઈરાની જનતાની હરસંભવ મદદ કરવાની કોશિશ કરી રહ્યું છે.