
ઓથોરિટીની મંજૂરી વગર જ હૈદરાબાદમાં 100 એકરમાં બેફામ રીતે વૃક્ષો કાપવા બદલ સુપ્રીમ કોર્ટે (Supreme court) તેલંગાણાની કોંગ્રેસ સરકારનો ઉધડો લીધો હતો. સુપ્રીમે કહ્યું હતું કે 100 એકરમાં ફેલાયેલા જંગલનો નાશ કરવા માટે તમારા જે બુલડોઝર તૈનાત છે તેના પર અમારુ ધ્યાન છે, જો તમારે કોઇ બાંધકામ કરવું હતું તો પહેલા મંજૂરી લીધી હોત, જંગલને કાપતી વખતે તેમાં રહેતા પશુઓની જે હાલત થઇ છે તેના વીડિયોની પણ સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી.
રાજ્યના વાઇલ્ડલાઇફ વોર્ડનને પુરતી વ્યવસ્થા કરવા આદેશ
સુપ્રીમ કોર્ટ (Supreme court)ના ન્યાયાધીશ બીઆર ગવઇ અને ન્યાયાધીશ એજી મસિહની બેંચે તાત્કાલીક આ પશુઓની સુરક્ષા માટે રાજ્યના વાઇલ્ડલાઇફ વોર્ડનને પુરતી વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. એટલુ જ નહીં સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી કે જમીનને ફરી જંગલમાં ફેરવવામાં ના આવી તો જવાબદાર અધિકારીઓ સામે આકરા પગલા લેવામાં આવી શકે છે, તેમને જેલ પણ થઇ શકે છે. આ મામલે હવે ૧૫મી મેના રોજ ફરી સુનાવણી કરવામાં આવશે.
અમને જવાબ આપો કે આ 100 એકર જમીનમાં ફરી વૃક્ષો કેવી રીતે સ્થાપિત કરશો?
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીઆર ગવઇએ કહ્યું હતું કે જો તમારે તમારા મુખ્ય સચિવને બચાવવા હોય તો અમને જવાબ આપો કે આ 100 એકર જમીનમાં ફરી વૃક્ષો કેવી રીતે સ્થાપિત કરશો? યોગ્ય પ્લાન સાથે આવો, નહીં તો અમે નથી જાણતા કે તમારા કેટલા અધિકારીઓ જેલ જશે. માત્ર ત્રણ જ દિવસમાં આ વૃક્ષોનું નિકંદન કાઢવાની શું ઉતાવળ હતી? જો તમે ફરી જંગલ સ્થાપિત કરવાની ના પાડશો તો તમારા અધિકારીઓની જેલ માટે તૈયાર રહો. આ દરમિયાન એક પણ વૃક્ષ કાપવામાં નહીં આવે.