
પહેલગામ હુમલા બાદ ભારતે કરેલા ઓપરેશન સિંદૂરની સામે પાકિસ્તાને ભારત પર હુમલા કર્યા હતાં. આ દરમિયાન પાકિસ્તાનને સહાય અને સપોર્ટ કરનાર તુર્કીનો ભારતભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે નવસારીના એપીએમસીમાં આંતરરાષ્ટ્રીય ફળોના વેપારી ચંદુલાલે તુર્કી દેશ વિરુદ્ધ અનોખો વિરોધ નોંધાવ્યો છે. તેમણે તુર્કીથી આયાત કરેલા 13 મણ સફરજનને કચરાપેટીમાં નાખી દઈને નાશ કર્યો છે.
સફરજનનો બહિષ્કાર
આ પગલું ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદિલી દરમિયાન તુર્કીએ પાકિસ્તાનને આપેલા સમર્થનના વિરોધમાં લેવામાં આવ્યું છે. તુર્કીએ પાકિસ્તાનને હથિયારો અને અન્ય સહાય પૂરી પાડી હતી, જેના કારણે ભારતીયોમાં તુર્કી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.વેપારીઓએ ભવિષ્યમાં પણ તુર્કીના સફરજનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
તુર્કીના બુકિંગ રદ
આ વિરોધનો પડઘો પ્રવાસન ક્ષેત્રે પણ જોવા મળી રહ્યો છે. ઘણા ભારતીય પ્રવાસીઓએ તુર્કીના પ્રવાસના તમામ બુકિંગ રદ કર્યા છે. આ ઘટના દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણની અસર વેપાર અને પ્રવાસન જેવા ક્ષેત્રો પર પણ પડે છે. વેપારીઓનું આ પગલું રાષ્ટ્રીય હિતોની તરફેણમાં લેવાયેલું એક સ્વૈચ્છિક પગલું છે.