
IPL 2025માં ઘણા ભારતીય ખેલાડીઓને કરોડો રૂપિયા મળ્યા પરંતુ તેમનું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ જ નબળુ રહ્યું છે. એક રીતે કહી શકાય કે ખાતામાં કરોડો રૂપિયા છે પરંતુ પ્રદર્શન શૂન્ય છે. તેમાં રોહિત શર્મા અને રિષભ પંતનું નામ પણ સામેલ છે.
કરોડોના ખેલાડી પરંતુ પરફોર્મન્સ ઝીરો
IPL ની 18મી સિઝન ચાલી રહી છે. આ સિઝનના મેગા ઓક્શનમાં અને ઓક્શન પહેલા રિટેન્શન દરમિયાન ઘણા ભારતીય ખેલાડીઓને કરોડો રૂપિયા મળ્યા છે. તેમાંથી 5 એવા ખેલાડી છે, જેમને 13 કે તેનાથી વધુ કરોડ રૂપિયા મળ્યા પરંતુ આ સિઝનમાં તેમનું પ્રદર્શન નબળું રહ્યું છે. જેમાં રિષભ પંત અને રોહિત શર્મા જેવા સ્ટાર્સનું નામ પણ સામેલ છે.
27 કરોડ સેલેરી, રન માત્ર 17
IPL 2025 મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટૂર્નામેન્ટના ઈતિહાસની સૌથી મોટી બોલી લગાવીને રિષભ પંતને પોતાની સાથે જોડ્યો હતો. LSGએ તેના માટે 27 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા પરંતુ તે ત્રણ મેચોમાં અત્યાર સુધી માત્ર 17 રન જ બનાવી શક્યો છે. તેણે પહેલી મેચમાં 0, બીજામાં 15 અને ત્રીજામાં માત્ર 2 રન બનાવ્યા છે. કેપ્ટન તરીકે તે 2 મેચ હારી ચૂક્યો છે.
23.75 કરોડ સેલેરી, રન માત્ર 9
કોલકાતા નાઈટ રાઈડર્સે વેંકટેશ અય્યરને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. KKRએ તેને રિટેન નહતો કર્યો, પરંતુ મેગા ઓક્શનમાં પોતાના ઈતિહાસની સૌથી મોટી બોલી તેના માટે લગાવી હતી. જોકે, ત્રણ મેચોની બે ઈનિંગમાં તે માત્ર 9 રન બનાવી શક્યો છે. પહેલી મેચમાં 6 રન, બીજીમાં બેટિંગ ન મળી અને ત્રીજીમાં 3 રન બનાવ્યા છે.
18 કરોડ સેલેરી, રન માત્ર 34
યશસ્વી જયસ્વાલને રાજસ્થાન રોયલ્સે 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. જોકે, IPL 2025માં ટીમની પહેલી ત્રણ મેચોમાં તેણે માત્ર 34 રન જ બનાવ્યા છે. પહેલી મેચમાં તે માત્ર 1 રન બનાવી શક્યો હતો. બીજી મેચમાં જરૂર 29 બનાવ્યા, પરંતુ ત્રીજી મેચમાં ફરીથી 4 રન પર આઉટ થઈ ગયો.
16.30 કરોડ સેલેરી, રન માત્ર 21
મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને આ સિઝનના મેગા ઓક્શન પહેલા રિટેન્શન દરમિયાન 16.30 કરોડ રૂપિયા મળ્યા હતા. જોકે, તેમનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું છે. પહેલી મેચમાં તેનું ખાતું નહતું ખુલ્યું બીજી મેચમાં 8 રન બનાવ્યા અને ત્રીજી મેચમાં માત્ર 13 રન બનાવ્યા. તે ત્રણ મેચમાં કુલ 21 રન બનાવી શક્યો છે.
13 કરોડ સેલેરી, રન માત્ર 29
રિંકુ સિંહ અત્યાર સુધી IPLમાં માત્ર લાખો રૂપિયામાં રમી રહ્યો હતો પરંતુ IPL 2025ના રિટેન્શનમાં તેને KKR તરફથી 13 કરોડ રૂપિયા મળ્યા. જ્યારે તે લાખોમાં રમી રહ્યો હતો તો કરોડોવાળા ખેલાડીઓનું કામ કરી રહ્યો હતો પરંતુ હવે તેનું ફોર્મ નબળું છે. તે 3 મેચોની 2 ઈનિંગમાં માત્ર 29 રન બનાવી શક્યો છે. તેણે પહેલી મેચમાં 12 રન બનાવ્યા હતા અને ત્રીજી મેચમાં 17 રન બનાવ્યા હતા.