Home / India : Central government responds to Supreme Court regarding Waqf Amendment Bill

'વકફ ઇસ્લામનો જરૂરી ભાગ નથી માત્ર દાન છે', કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં દલીલ

'વકફ ઇસ્લામનો જરૂરી ભાગ નથી માત્ર દાન છે', કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં દલીલ

વક્ફ સુધારા કાયદા પર સુપ્રીમ કોર્ટમાં બીજા દિવસની સુનાવણી બુધવારે શરૂ થઈ. આ મહત્ત્વપૂર્ણ સુનાવણીમાં કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મજબૂત રીતે કાનૂની પક્ષ રજૂ કર્યો. સરકાર તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું કે, વક્ફ કાયદામાં ફેરફારો અંગે વ્યાપક ચર્ચા અને સલાહ સૂચન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, 'વક્ફ ઇસ્લામનો જરૂરી હિસ્સો નથી, માત્ર એક દાનની પ્રક્રિયા છે. અરજદારો સમગ્ર મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વક્ફ ઇસ્લામનો જરૂરી હિસ્સો નથી, માત્ર દાન છે: કેન્દ્ર સરકાર

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે, વક્ફ બોર્ડ માત્ર ધર્મનિરપેક્ષ કામકાજ કરે છે, જ્યારે મંદિર સંપૂર્ણ રીતે ધાર્મિક સંસ્થા હોય છે અને તેમનું સંચાલન મુસ્લિમ વ્યક્તિ પણ સંભાળી શકે છે. વક્ફ એક ઇસ્લામી વિચાર છે, પરંતુ આ ઇસ્લામનો મૂળ અને જરૂરી હિસ્સો નથી. આ માત્ર ઇસ્લામમાં દાન આપવાની વ્યવસ્થા છે. જેમ કે ઇસાઈ ધર્મમાં ચેરિટી, હિંદુ ધર્મમાં દાન અને શીખ ધર્મમાં સેવાની પરંપરા હોય છે, એવી જ રીતે વક્ફ છે.

97 લાખથી વધુ લોકો તરફથી સૂચનો મળ્યા

તેમણે કહ્યું કે, આ વિષય પર 97 લાખથી વધુ લોકો તરફથી સૂચનો મળ્યા હતા, અને વિવિધ સ્તરે મીટિંગોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં આ સુધારાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

એસજીએ જણાવ્યું હતું કે, 25 વક્ફ બોર્ડ પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો, જેમાંથી કેટલાકે રુબરુમાં આવીને  તેમનો અભિપ્રાય રજૂ કર્યો હતો. આ ઉપરાંત રાજ્ય સરકારો સાથે પણ સલાહ-સૂચન કરાયું હતું.  તુષાર મહેતાએ કહ્યું કે, 'સુધારાના દરેક કલમ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કેટલાક સૂચનો સ્વીકાર કરવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક નથી સ્વીકારાયા.'

સરકારની દલીલ

સુનાવણી દરમિયાન જસ્ટિસ બીઆર ગવઈએ સવાલ ઉઠાવ્યો હતો કે, તેમની દલીલ એ છે કે આ મામલે સરકાર પોતે પોતાનો દાવો નક્કી કરશે? આ અંગે સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, 'એ સાચું છે કે સરકાર પોતાના દાવા અંગે પુષ્ટિ નથી કરી શકતી. શરૂઆતના બિલમાં કહેવામાં આવ્યું હતું કે, કલેક્ટર નિર્ણય લેશે. વાંધો એ હતો કે કલેક્ટર પોતાના કેસમાં ન્યાયાધીશ રહેશે.એટલે જેપીસીએ સૂચન કર્યું કે, કલેક્ટર સિવાય અન્ય કોઈને નિયુક્ત અધિકારી બનાવવો જોઈએ.' તેમણે સ્પષ્ટતા કરી કે, મહેસૂલ અધિકારીઓ માત્ર રેકોર્ડ માટે નિર્ણયો લે છે અને ટાઇટલને અંતિમ સ્વરૂપ આપતા નથી.

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, 'સરકાર બધા નાગરિકો માટે જમીનના ટ્રસ્ટી તરીકે રાખે છે. વક્ફ ઉપયોગ પર આધારિત છે, એટલે કે જમીન કોઈ બીજાની છે, પરંતુ યુઝર લાંબા સમયથી તેનો ઉપયોગ કર્યો છે. ત્યારે જરુરી છે કે, તે ખાનગી અથવા સરકારી મિલકત હોય. જો કોઈ ઇમારત સરકારી જમીન પર હોય, તો શું સરકાર તપાસ ન કરી શકે કે, આ મિલકત તેમની છે કે નહીં?'  આ જોગવાઈ કલમ 3(C) હેઠળ કરવામાં આવી છે.

 

Related News

Icon