
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વકફ એક્ટ (Waqf Act)માં કરેલા સુધારાના કારણે વકફ સંપત્તિઓનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે એક રસપ્રદ વાત એ છે કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં વકફ સંપત્તિઓમાંથી કોઇ આવક જ થતી નથી. 6 વર્ષ પહેલાં જ ગુજરાતની વકફ સંપત્તિઓમાંથી થયેલી આવક 19.78 કરોડ રૂપિયા હતી પણ સરકારી ડેટા પ્રમાણે છેલ્લાં 3 નાણાકીય વર્ષમાં આ આવક શૂન્ય થઇ ગઇ છે.
ગુજરાતમાં વકફની કેટલી સંપત્તિ છે?
વકફ એસેટ્સ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયા (WAMSI) વેબસાઇટના ડેટા પ્રમાણે, ગુજરાતમાં કૂલ 45,358 વકફ સંપત્તિ છે. આ પૈકી 39940 અચલ સંપત્તિ એટલે કે ઇમ્મૂવેવલ પ્રોપર્ટી છે જ્યારે 5,480 ચલ એટલે કે મૂવેબલ સંપત્તિ છે. વેબસાઇટ પર અપાયેલી માહિતી પ્રમાણે, છેલ્લાં 15 નાણાકીય વર્ષમાં એટલે કે 2010-11થી 2024-25 દરમિયાાન ગુજરાતમાં વકફ સંપત્તિઓની સંખ્યામાં કોઇ ફેરફાર થયો નથી પણ વકફ સંપત્તિઓમાંથી થતી આવકમાં બહુ મોટો ફેરફાર થયો છે.
10 વર્ષ પહેલાં ગુજરાતમાં વકફ સંપત્તિઓમાંથી 7,66,38,172 રૂપિયાની આવક થતી હતી અને 2018-19માં તો આ આવક વધીને 19.78 કરોડ રૂપિયા પર પહોંચી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં આ આવક ઘટીને ઝીરો પર આવી ગઇ છે.
આ વેબસાઇટ ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા સંચાલિત છે અને તેમાં દેશનાં દરેક રાજ્યમાં વકફ સંપત્તિઓને લગતી તમામ વિગતો ઉપલબ્ધ છે. દરેક રાજ્યના ક્યા તાલુકામાં કેટલી વકફ સંપત્તિઓ છે અને ક્યા પ્રકારની સંપત્તિઓ છે તેની વિગતો આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ આધારભૂત સત્તાવાર ડેટા છે તેથી તેની વિગતો વિશે કોઇ શંકા કરી શકાય તેમ નથી.
વેબસાઇટના ડેટા પ્રમાણે, 2019-20માં વકફ સંપત્તિઓમાંથી કૂલ 4,94,54,311 રૂપિયા એટલે કે લગભગ 4.94 કરોડની આવક થઇ હતી. 2020-21માં આવક ઘટીને 4,53,11,463 રૂપિયા થઇ. 2021-22માં આવક ઘટીને 36,130,212 રૂપિયા થઇ. કોરોનાના કારણે આવકમાં ઘટાડો થયાનું મનાય છે પણ આશ્ચર્યજનક વાત હવે આવે છે.
વકફ એસેટ્સ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયા (WAMSI) વેબસાઇટના ડેટા પ્રમાણે, છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષથી ગુજરાતમાં વકફ સંપત્તિમાંથી થતી નેટ ઇન્કમ ડીકલેર્ડ એટલે કે જાહેર કરાયેલી ચોખ્ખી આવક ઝીરો છે.
વકફ બોર્ડની વેબસાઇટ ખોલો તો કાયદા વિભાગની ખૂલે છે!
ગુજરાતમાં વકફ બોર્ડ અસ્તિત્વમાં છે પણ તેની વેબસાઇટ પર કોઇ માહિતી જ નથી. ગુગલ પર સર્ચ કરો તો ગુજરાત સ્ટેટ વકફ બોર્ડની સત્તાવાર વેબસાઇટ હોવાનું દેખાય છે. તેના પર ક્લિક કરો એટલે ગુજરાત સ્ટેટ વકફ બોર્ડની વેબસાઇટ ખૂલે છે ખરી પણ હોમ પેજ પર ગુજરાતમાં વકફ બોર્ડના ટૂંકા ઇતિહાસ સિવાય બીજી કોઇ વિગત નથી મળતી. હોમ પેજ પર બીજાં સેક્શન પર ક્લિક કરો તો ગુજરાત સરકારના કાયદા વિભાગની વિગતો આવે છે. વકફ બોર્ડની ઓફિસ ક્યાં છે, કોણ કોણ હોદ્દેદારો છે, ફોન નંબર કે ઇમેલ આઇડી શું એવી પ્રાથમિક માહિતી પણ વેબસાઇટ પર નથી. ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે સરકારી વિભાગની આ હાલત દયનિય કહેવાય.