
- યુદ્ધના માહોલને કારણે વેકેશનમાં કમાવાની તક રોળાઇ
- જો કે, હોલિવૂડની ફિલ્મો સમયસર જ રજૂ થતાં ઇંગ્લિશ ફિલ્મના ચાહકોને મોજ પડશે
હિન્દી ફિલ્મ ઉદ્યોગની આજકાલ માઠી દશા ચાલે છે. બોક્સ ઓફિસ પર મોટી મોટી ફિલ્મો પિટાઇ રહી છે અને નવી ફિલ્મો હવે સીધી જ ઓટીટી પર રજૂ કરી દેવામાં આવે છે. મે મહિનાની રજાઓમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગને થોડી કમાણી થવાની આશા હતી પણ હવે તેની પર પાણી ફરી વળ્યું છે. મે મહિનાના વેકેશનમાં હિન્દી ફિલ્મ પાસે કમાણીની તક હતી પણ પાકિસ્તાને પહલગામમાં આતંકી હુમલો કરતાં અને તેને પગલે ભારતે આકરાં લશ્કરી પગલાં ભરતાં દેશમાં માહોલ પલટાઇ ગયો છે. આ માહોલમાં હિન્દી ફિલ્મોની રજૂઆત પાછી ઠેલાઇ ગઇ છે. આમ, યુદ્ધના માહોલની હિન્દી ફિલ્મ ઉદ્યોગ પર માઠી અસર પડી છે.
હાલમાં દેશમાં પ્રવર્તતા અનિશ્ચિત માહોલને કારણે આ મહિનામાં રજૂ થનારી ઘણી હિન્દી ફિલ્મોની રજૂઆત લંબાઇ ગઇ છે. સૌ પ્રથમ તો મેડોક ફિલ્મ્સની ભૂલચૂક માફને થિયેટરમાં રજૂ કરવાનું માંડી વાળવામાં આવ્યું. રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની આ ફિલ્મને એમેઝોન પ્રાઇમ વિડિયો પર ૧૬ મેના રોજ રજૂ કરવાનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવામાં આવ્યો તેમાં પીવીઆર આઇનોક્સે અદાલતના દરવાજા ખટખટાવતાં ફિલ્મની રજૂઆત હવે જુન પહેલાં થાય તેમ લાગતી નથી. ફિલ્મનાનિર્માતા અને થિયેટરમાલિક કંપની વચ્ચે થયેલાં કરાર અનુસાર ફિલ્મ આઠ અઠવાડિયા થિયેટરમાં દર્શાવવામાં આવે એ પછી જ તેને ઓટીટી પર રજૂ કરી શકાય. છેલ્લી ઘડીએ ફિલ્મની રજૂઆતને માંડી વાળવામાં આવતાં સ્ક્રિન રિઝર્વેશન,ટિકિટ બુકિંગ અને પ્રમોશન પ્રવૃતિઓ પર તેની અવળી અસર થાય છે.જેમાં થિયેટર ચેઇનની પ્રતિષ્ઠા તેના ગ્રાહકોમાં જોખમાય છે. આ કેસની સુનાવણી હવે ૧૬ જુને થશે. આમ હવે આ ફિલ્મ જુનના બીજા અઠવાડિયા સુધી તો લટકી ગઇ છે.
આ ઉપરાંત કેસરી વીર અને હાઉસફૂલ ફાઇવની પ્રમોશનલ પ્રવૃત્તિઓ બંધ કરી દેવાઇ છે. સિતારે જમી પર અને ઠગલાઇફના ટ્રેલરની રિલિઝ પણ મુલતવી રખાઇ હતી. આમ અનેક ફિલ્મોની રજૂઆત ઘોંચમાં પડવાને કારણે ૭૦૦ કરોડ રૂપિયાનો ફટકો હિન્દી ફિલ્મ ઉદ્યોગને પડવાની આશંકા આ ક્ષેત્રના જાણકારોએ વ્યક્ત કરી છે. ફિલ્મની રજૂઆત મોડી થવાને કારણે તેની અસર નિર્માતાઓ ઉપરાંત પ્રમોશનલ અને એડવર્ટાઇઝિંગ એજન્સીઓના કામ પર પણ પડે છે. થિયેટરમાં ફિલ્મ રજૂ ન થાય અને તેને સીધી ઓટીટી પર રિલિઝ કરવામાં આવે તો પણ તેની અસર ઓટીટી અને ફિલ્મના ફાયનાન્સિયર પર પણ પડે છે.
પુલકીત સમ્રાટ અને ઇસાબેલ કૈફની ફિલ્મ સ્વાગતમ ખુશઆમદીદ ૧૬ મેના રજૂ કરવાનું આયોજન હતું. એ જ રીતે સોનાક્ષી સિંહાની ફિલ્મ નિકિતા રોયને પણ ૩૦ મેના રોજ રજૂ કરવાની ગણતરી હતી. ૨૩ મેના રોજ કેસરી વીર ફિલ્મ પણ રજૂ કરવાનું આયોજન હતું પણ આ ફિલ્મના પ્રમોશનની પ્રવૃત્તિઓ બંધ કરી દેવાતાં તેની રજૂઆત બાબતે અનિશ્ચિતતા પ્રવર્તે છે. આ તમામ ફિલ્મો મે મહિનામાં રજૂ કરવાનું આયોજન હતું. પણ હવે આ ફિલ્મો ક્યારે રજૂ થશે તે નક્કી નથી. આ જ રીતે પાંચ જુને અક્ષય કુમારની હાઉસફૂલ ફાઇવ અને આમિરખાનની ફિલ્મ સિતારે જમીન પર વીસ જુને રજૂ કરવાનું આયોજન છે. આ બંને ફિલ્મોની રજૂઆત પર બધાંની નજર મંડાયેલી છે.
જો કે, ભારતમાં પ્રવર્તતા વર્તમાન અનિશ્ચિતતાના માહોલની અસર હોલિવૂડની ફિલ્મો પર પડે તેમ લાગતું નથી. હોલિવૂડની ફિલ્મોની રિલિઝ ડેટ એક વર્ષ અગાઉ જ નક્કી થઇ જતી હોય તેમાં ફેરફાર કરવાનું મુશ્કેલ હોય છે. મે મહિનામાં હોલિવૂડની ત્રણ મોટી ફિલ્મ રજૂ થવાનું નક્કી છે. પ્રથમ તો ટોમ ક્રૂઝની મિશન ઇમ્પોસિબલઃ ધ ફાઇનલ રેકનિંગ ૧૭ મેના રોજ રજૂ થવાની છે. આ જ અઠવાડિયે ૧૬ મે શુક્રવારે ફાઇનલ ડેસ્ટિનેશન : બ્લડલાઇન્સ રજૂ થશે. એ પછી ૩૦ મેના રોજ કરાટે કિડઃ લેજન્ડ્સ રજૂ થવાની છે. આમ, બોલિવૂડના ફિલ્મ નિર્માતાઓની અનિશ્ચિતતાનો લાભ આ મહિને તો હોલિવૂડની ફિલ્મોને થાય તેમ લાગે છે.