
અમદાવાદમાં સતત અકસ્માતોની વણઝાર વધતી જાય છે. ત્યારે અમદાવાદ બોપલ-ઘુમા નજીક એક મહિલા ટુ-વ્હીલર પર પોતાના પુત્રને સ્કુલેથી લઇને પરત ફરી રહી હતી, તે દરમિયાન એક બોલેરો પીકઅપ ચાલકે અડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું, અને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ મૃતકના મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
મહિલા હવામાં 25 ફૂટ ઉછળી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર બપોરના સુમારે બોપલ ઘુમા રોડ પર એક બોલેરો પીકઅપ ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી ટુ-વ્હીલર ચાલક મહિલાને અડફેટે લીધી હતી. બોલેરો પીકઅપની ટક્કર વાગતાં મહિલા 25થી 30 ફૂટ હવામાં ફંગોળાઈ હતી. મહિલાનું માથું ફાટી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક પલકબેન શાસ્ત્રી પોતાના પુત્રને સ્કુલેથી લઇને ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
લોકોએ આરોપ લગાવ્યો કે બોલેરો ચાલક હતો નશામાં
ઘટનાસ્થળે હાજર લોકોએ આક્ષેપ કર્યો હતો કે બોલેરો ચાલક નશાની હાલતમાં હતો. બોલેરો ચાલકે પુરપાટ ઝડપે વાહન હંકારી ટુ-વ્હીલર ચાલકને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જયા બાદ બોલેરો ચાલક ઘટનાસ્થળે ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ મૃતક પલક શાસ્ત્રીના મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.