બર્મિંઘમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. ભારતે પ્રથમ ઈનિંગના આધારે 180 રનની લીડ મેળવી હતી અને ત્રીજા દિવસના અંત સુધીમાં તેને 244 રન પર પહોંચાડી દીધી હતી. બીજી ઈનિંગમાં દિવસના અંત સુધી ભારતનો સ્કોર 1 વિકેટે 64 રન હતો. કેએલ રાહુલ 28 રન અને કરુણ નાયર 7 રન પર અણનમ પાછા ફર્યા હતા. ભારતે યશસ્વી જયસ્વાલના રૂપમાં પોતાની એકમાત્ર વિકેટ ગુમાવી દીધી હતી અને આ વિકેટ અંગે પણ ઘણો વિવાદ થયો હતો.
જયસ્વાલની વિકેટ પર વિવાદ
ભારતની બીજી ઈનિંગની 8મી ઓવરમાં આ ઘટના બની હતી. ઓવરના ચોથા બોલ પર, જોશ ટંગે યશસ્વી જયસ્વાલ સામે LBW માટે અપીલ કરી, જેના પછી અમ્પાયરે તેને આઉટ આપ્યો. જયસ્વાલ અને રાહુલ ક્રીઝ પર DRS લેવા પર ચર્ચા કરી રહ્યા હતા. અંતે જયસ્વાલે રિવ્યૂ લીધો અને અમ્પાયરે તેને થર્ડ અમ્પાયરને રિફર કર્યો.
DRS અંગે વિવાદ પર બેન સ્ટોક્સ અકળાયો
તે જ સમયે, સ્ટોક્સ અમ્પાયર પાસે આવ્યો અને તેની સાથે દલીલ કરવા લાગ્યો. સ્ટોક્સે કહ્યું કે, ટાઈમર પરનો સમય પૂરો થયા પછી જયસ્વાલે રિવ્યૂ લેવાનો સંકેત આપ્યો. રાહુલ અને જયસ્વાલ પણ અમ્પાયર પાસે આવ્યા. આ વાતચીત લાંબા સમય સુધી ચાલુ રહી અને અંતે અમ્પાયરે રિવ્યૂ માટેની અપીલ સ્વીકારી. સ્ટોક્સ ગુસ્સામાં પાછો ફર્યો અને ઈંગ્લેન્ડના ફેન્સે હોબાળો મચાવ્યો. આ રિવ્યૂથી ભારતને કોઈ ફાયદો ન થયો કારણ કે બોલ ટ્રેકિંગમાં જોવા મળ્યું બોલ લેગ સ્ટમ્પને અથડાયો હતો. જયસ્વાલને 22 બોલમાં 28 રન બનાવીને પાછુ ફરવું પડ્યું.
ભારત પાસે લીડ વધારવાની શાનદાર તક
ત્રીજા દિવસની રમતના અંતે કેએલ રાહુલ અને કરુણ નાયર ક્રીઝ પર હતા. ભારત હવે મોટી લીડ મેળવવા પર નજર રાખશે. ટીમની રણનીતિ ચોથા દિવસે ઓછામાં ઓછા અઢી સેશન સુધી બેટિંગ કરવાની અને લગભગ વધુ 250 રન ઉમેરવાની રહેશે, જેથી ઈંગ્લેન્ડ સામે 500થી વધુનો ટાર્ગેટ રાખી શકાય.