
વ્યારા નગરના વેપાર વિસ્તારોમાં દબાણ હટાવવાની કાર્યવાહી દરમ્યાન એકવાર ફરીથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. નગરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલ મીના કલોથ સ્ટોર સામે આવેલી કેબિનને દબાણ તરીકે ઓળખીને નગરપાલિકા દ્વારા તેને હટાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કેબિન હટાવવા પહોંચેલી પાલિકાની ટીમને ભાજપના નગરસેવકો દ્વારા કડક વિરોધનો સામનો કરવો પડ્યો.
દબાણ હટાવવાની કાર્યવાહી
પ્રાપ્ત માહિતી મુજબ, દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થતાં જ સ્થાનિક ભાજપના નગરસેવકો ઘટના સ્થળે પહોંચી ગયા અને કામગીરીમાં વિઘ્ન ઊભું કર્યું. તેમનું કહેવું હતું કે આ દુકાનદારો લાંબા સમયથી ત્યાં વ્યવસાય કરી રહ્યાં છે અને તેમને વિના નોટિસે હટાવવાની કાર્યવાહી અત્યંત અયોગ્ય છે. બીજી તરફ, નગરપાલિકા તરફથી જણાવાયું હતું કે જે કેબિન અંગે કાર્યવાહી કરવામાં આવી રહી હતી તે જાહેર માર્ગ પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી છે. એટલું જ નહીં, આ દબાણને લઈ અગાઉ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અરજી ચાલતી હતી, જેમાં હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે દબાણ હટાવવાની કાર્યવાહી કરવી જરૂરી છે. અહીં સુધી કે ચીફ ઓફિસરને એફિડેવિટ સાથે હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવા પણ આદેશ અપાયો છે.
પ્રશ્નો ઉઠાવ્યા
આ સમગ્ર મામલે સૌથી ચિંતા જનક બાબત એ રહી કે ભાજપ શાસિત પાલિકાના નગરસેવકો પોતે જ હાઈકોર્ટના આદેશ સામે જઈને દબાણકારોને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. આને કારણે ભાજપના નગરસેવકો દબાણકર્તાઓને પ્રોત્સાહન આપી રહ્યાં હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. ઘટના સ્થળે દબાણ ખાતાના અધિકારીઓ અને નગરસેવકો વચ્ચે જાહેરમાં ઉગ્ર વાદવિવાદ થયા જેનો વીડિયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અધિકારીઓએ પોતાના ફરજ નિભવતા પ્રશ્ન ઉઠાવ્યો છે કે, "જ્યારે જવાબદારી થી કાર્ય કરી રહ્યા છીએ, ત્યારે રાજકીય દબાણ હેઠળ કેવી રીતે કામ કરવું?"