
- પન્ના પલટીએ
હાલના સમયમાં એવું કહેવાય છે કે, જો કોઈ ઘર-પરિવારમાંથી કોઈ વ્યક્તિ એકાદ ટર્મ માટે ધારાસભ્ય બની જાય તો તેની આવનારી બે પેઢીને કોઈ આર્થિક તંગી ન રહે! આજકાલ પૉલિટિક્સ સત્તા અને પૈસાનો ભોગ કરવા માટેનું જ માધ્યમ બની ગયું છે. અલબત્ત, આજના સમયમાં પણ કેટલાક પ્રામાણિક અને કર્મનિષ્ઠ નેતાઓ છે જેઓ રાજકારણમાં પ્રજાસેવા માટે કાર્યરત હોય છે પણ આવા નેતાઓ આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે. આવામાં જો તમને કોઈ એવું કહે કે, એક વ્યક્તિ જે ભારત દેશના વડાપ્રધાન બન્યા અને એક નહીં બે-બે વાર... અને તેમના અંતિમ દિવસોમાં તેઓ એક ભાડાના મકાનમાં રહેતા હતા જેનું ભાડું પણ તે ચૂકવી નહોતા શક્યા તો શું તમને માનવામાં આવે?!
જી હા, માની ન શકાય પણ બે વખત દેશના સર્વેસર્વાની ભૂમિકા ભજવનારા ગુલઝારીલાલ નંદાના જીવનની આ વરવી વાસ્તવિકતા રહી કે, તેઓ બે વખત દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ બન્યા પણ જીવનના અંતિમ દિવસોમાં એટલા નિ:સહાય અને આર્થિક રીતે અસક્ષમ હતા કે તે એક ભાડાના મકાનમાં રહેતા હતા અને ત્યાં પણ તેમને ભાડું ન ચૂકવી શકવાને કારણે ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. 4 જૂલાઈ 1898ના રોજ પંજાબના સિયાલકોટમાં જન્મેલા ગુલઝારીલાલ નંદા એક સ્વાતંત્રતા સેનાની, શિક્ષક અને લેખક હતા. 1921માં સ્વતંત્રતાની ચળવળ દરમિયાન તેમની મુલાકાત મહાત્મા ગાંધી સાથે થઈ અને તેઓ તેમના પ્રભાવમાં આવી ગયા. બાદમાં તે અસહયોગ આંદોલનમાં જોડાયા. 1932માં સત્યાગ્રહ કરવાને લીધે તેમને જેલ થઈ. તેઓ 1942થી 1946 સુધી પણ જેલમાં રહ્યા. ગાંધીજી સાથે કામ કરતા-કરતા તેમણે પોતાના જીવનનો ઘણો મોટો સમય ગુજરાતમાં વિતાવ્યો. બાદમાં સ્વતંત્ર ભારતમાં તેઓ યોજના મંત્રી, શ્રમ મંત્રી જેવા મોટા પદ પણ રહ્યા. તેઓ સાબરકાંઠા સીટ પરથી ત્રણ વખત લોકસભાની ચૂંટણી જીત્યા અને લાંબા સમય સુધી સંસદસભ્ય બની રહ્યા.
27 મે 1964ના રોજ જ્યારે તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુનું નિધન થયું ત્યારે ગુલઝારીલાલ નંદાને દેશની જવાબદારી સોંપવામાં આવી. તેઓ 13 દિવસ માટે દેશના કાર્યકારી વડાપ્રધાન રહ્યા. બાદમાં લાલબહાદુર શાસ્ત્રીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. બાદમાં જ્યારે શાસ્ત્રીજીનું આકસ્મિક અવસાન થયું ત્યારે પણ તેમને ફરી એકવાર દેશના કાર્યકારી વડાપ્રધાન બનાવવામાં આવ્યા. જોકે, અહીં પણ તેમનો કાર્યકાળ 13 દિવસનો જ રહ્યો.
નંદાની છબિ હંમેશાં એક પ્રામાણિક નેતા તરીકેની રહી. તેમના નામે કોઈ સંપત્તિ નહોતી. તેમણે સ્વાતંત્રતા સેનાની તરીકે 500 રૂપિયાનું પેન્શન લેવાની પણ ના પાડી દીધેલી, જોકે, આર્થિક તંગીના કારણે તેમણે છેવટે તે લેવું પડ્યું. એક વખત તેઓ જે ભાડાના મકાનમાં રહેતા હતા ત્યાં સમય પર ભાડું ન ચૂકવી શકવાને કારણે મકાન માલિકે તેમને ઘરની બહાર તગેડી મૂકેલા. આ ઘટનાને રોડ પર ઊભા રહી એક પત્રકાર જોઈ રહ્યો હતો. જોકે, તે એ વાતથી અજાણ હતો કે, સામેવાળી વ્યક્તિ કોણ છે? તેણે જ્યારે પોતાના એડિટરને આ પ્રસંગ કહ્યો અને સ્ટોરી કરવાની તૈયારી બતાવી ત્યારે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, તે બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ગુલઝારીલાલ નંદા છે. મીડિયામાં સ્ટોરી આવતાની સાથે જ નેતાઓ અને VIP લોકોનો કાફલો નંદાના મકાને પહોંચી ગયો. મકાન માલિકે તેમની માફી માંગી. 99 વર્ષની ઉંમરે 1998માં અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું. 1997માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને એચ ડી દેવગૌડાના પ્રયાસો થકી નંદાને દેશના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી નવાઝવામાં આવ્યા.
- આગંતુક