
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં કરાર આધારિત અધિક સચિવ તરીકે કામ કરતા દિનેશ પરમારની રૂપિયા ૧૫ લાખની લાંચ કેસમાં ધરપકડ કરીને એસીબીએ તપાસ શરૂ કરી છે. જેમાં અમદાવાદના અડાલજ ખાતે આવેલા સ્વર્ણિમ વાટીકા બંંગ્લોઝમાં તેમજ સેક્ટર-૨૭માં આવેલા મકાન ખાતે તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, બેંક એકાઉન્ટ અને લોકરની તપાસ કરવામાં આવી રહી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર અને ડેન્ટલ કોલેજના નિવૃત ડીન ગીરીશ પરમાર વિરૂદ્ધ ૧૫ લાખની લાંચનો કેસ નોંધાયો હતો. જેમાં દિનેશ પરમારની ધરપકડ કરીને એસીબીએ રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી હતી. આ અંગે એસીબીએ દિનેશ પરમારના અડાલજમાં આવેલા સ્વણિમ વાટિકા નામના બંગ્લો ખાતે સર્ચ ઓપરેશન કરીને કેટલાંક દસ્તાવેજ પણ જપ્ત કર્યા હતા. સાથે સાથે ગાંધીનગર સેક્ટર ૨૭માં આવેલા ગાયત્રીનગરના મકાનમાં પણ તપાસ કરવામાં આવી હતી. તેમજ બેંક એકાઉન્ટની વિગતોના આધારે અપ્રમાણસર મિલકતો અંગે માહિતી એકઠી કરાશે. એસીબીએ ગુનો નોંધ્યા બાદ દિનેશ પરમારને ફરાર થવા મદદ કરનારની વિગતો પણ એસીબી તપાસી રહી છે અને જેમાં પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવશે.