
ઝડપભેર વિકસી રહેલા અમદાવાદ શહેરમાં વાહનોની ગતિ માપવી મુશ્કેલ થઈ ગઈ હોય તેવું અનેક વખત લાગે છે. અમદાવાદ શહેરમાં 30 ટકા જીવલેણ અકસ્માતો રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકોના કારણે થાય છે. તાજેતરમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે કરેલા એક રિસર્ચમાં એવી વિગતો ખુલી છે કે છેલ્લા સવા બે વર્ષમાં 1038 સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા તે માટે રસ્તાઓની ફોલ્ટી ડિઝાઈન અને ગેરકાયદે કટ પણ કારણભૂત હતા. સાથે જ રસ્તા ક્રોસ કરવા માટે ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ દ્વારા ઉતાવળ જીવલેણ બની રહી છે.
રસ્તાઓને એક્સિડન્ટ ઝોન બનાવવા માટે જવાબદાર કોણ?
અમદાવાદના રસ્તાઓને એક્સિડન્ટ ઝોન બનાવવા માટે જવાબદાર કોણ? આ સવાલ વચ્ચે કરાયેલા રિસર્ચ દરમિયાન એવી વિગતો ખુલી છે કે, સરેરાશ 26થી 30 ટકા જીવલેણ અકસ્માતો ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓના કારણે સર્જાય છે. રાહદારીઓ અને દ્વિચક્રી વાહનચાલકોની ભૂલના કારણે સૌથી વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે. વર્ષ 2023 અને 2024 ઉપરાંત 2025ના પ્રારંભિક ત્રણ માસના સમયગાળામાં અમદાવાદમાં કુલ 4000 જેટલા અકસ્માતો સર્જાયા. તેમાં 1038 નાના વાહન ચાલકો કે રાહદારીએ જીવ ગુમાવ્યા છે.
અકસ્માત વધવાના વિવિધ કારણો
ઈજાગ્રસ્તોની સંખ્યા પણ લગભગ એટલી જ છે. મહદ અંશે મોટા રસ્તાઓ પર વાહનો તીવ્ર ગતિએ પસાર થતા હોય તેવા સમયે રાહદારી કે સાઈકલ સવાર અથવા તો નાના વાહન ચાલકની જરાસરખી ગફલત જીવલેણ અકસ્માત સર્જી જાય છે. મતલબ કે વાહનોની બેફામ ગતિ અને આડેધડ રોડ ક્રોસ કરવાની ઉતાવળ જીવલેણ બને છે. અમદાવાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન અમુક રોડની ફોલ્ટી ડિઝાઈન અને ગેરકાયદે કટ દૂર કરવા પ્રયત્ન કર્યા છે.
2025માં શરૂઆતના ત્રણ મહિનામાં દસ કરોડનો દંડ વસૂલાયો
અમદાવાદ ટ્રાફિક પોલીસે દ્વિચક્રી વાહન ચાલકો હેલ્મેટ પહેરે તેમજ મોટા વાહન ચાલકોની ગતિ મર્યાદા અંકુશમાં રહે તે માટે દંડ સહિતની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2023માં બે કરોડ રૂપિયાનો દંડ વસૂલનાર અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે વર્ષ 2024માં ત્રણ લાખ શહેરીજનો પાસેથી 20 કરોડ રૂપિયા દંડ વસૂલ્યો હતો. વર્ષ 2025ના શરૂઆતના ત્રણ મહિનામાં કુલ દોઢ લાખ કેસ કરીને દસ કરોડ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ અધિકારીઓ કહે છે કે જો સ્વયં જાગૃતિથી નિયમ પાલન કરી વાહન ચલાવવામાં આવે તો અમૂલ્ય જિંદગી અને દંડરૂપી નાણાંનો બચાવ થઈ શકે છે.
કરોડો રૂપિયા ખર્ચાયા પછી પણ એસજી હાઇવે એક્સિડન્ટ ઝોન
સડસડાટ જાય તેવો એસ જી એસ જી હાઈવે બની ગયો છે છતાંય જીવલેણ અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 22 લોકો જીવલેણ અકસ્માતોમાં મૃત્યુ પામ્યા, 40ને ગંભીર ઈજા પહોંચી અને 10ને સામાન્ય ઈજા પહોંચી હતી. વર્ષ 2024 દરમિયાન ફેટલ એક્સિડન્ટમાં "મૃતકોની સંખ્યા 31, ગંભીર ઈજાગ્રસ્તોની સંખ્યા 40 અને સામાન્ય ઇજાગ્રસ્તો ની સંખ્યા 10 હતી. આ આંકડો વર્ષ 2023 માં 20 મૃત્યુ અને 40 લોકોને ઈજાનો હતો. મતલબ કે એસજી હાઇવે કરોડો કરોડો રૂપપિયા ખર્ચીને લેન સિસ્ટમ સહિત સુરક્ષિત બને તેવો પ્રયાસ કરાયો છતાં વાહન ચાલકોની સ્વયંશિસ્તના અભાવે અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો નથી થયો.