Home / Gujarat / Ahmedabad : Ahmedabad Civil's cold storage has a capacity of only 36 bodies what about the remaining dead?

અમદાવાદ સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં માત્ર 36 મૃતદેહની ક્ષમતા, બાકીના મૃતકોનું શું?

અમદાવાદ સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં માત્ર 36 મૃતદેહની ક્ષમતા, બાકીના મૃતકોનું શું?

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સિવિલ હોસ્પિટલમાં ભડથું થયેલા મૃતદેહના ખડકલા થયા છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમ અને DNA સેમ્પલ લીધા બાદ તેને કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવે છે પરંતુ સિવિલ સહિતની સરકારી હોસ્પિટલોમાં કોલ્ડ સ્ટોરેજમાં અપૂરતી વ્યવસ્થાથી સવાલો ઉભા થયા છે. હાલ અસારવા સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં 36ની ક્ષમતા છે અને તેની સામે 266 જેટલા મૃતદેહો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

80 લાખની વસતી ધરાવતા અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં કોલ્ડસ્ટોરેજની માત્ર 66ની ક્ષમતા

અસારવા સિવિલ હોસ્પિટલ દ્વારા પ્લેન ક્રેશની ઘટના બાદ કોઇપણ સત્તાવાર માહિતી આપવામાં આવી રહી નથી. બિનસત્તાવાર માહિતી અનુસાર અસારવા સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં 36ના મૃતદેહની ક્ષમતા છે. જે પણ મૃતદેહના DNA પરિક્ષણ તેમજ પોસ્ટમોર્ટમ થઇ ગયા છે તેમને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવે છે.

એવી પણ માહિતી પણ સામે આવી છે કે મૃતકોમાંથી 60 ટકાનો દેહ ભડથું થવાથી પોટલામાં સમાય તેટલો થઇ ગયો છે તો કેટલાકના માત્ર હાથ-પગ મળ્યા છે.તેમને હાલ પોટલામાં કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવ્યા છે.

મૃતદેહની ઓળખ અને તેને સ્વજન લઈ જાય નહીં ત્યાં સુધી તેમને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા જ પડશે. શુક્રવારે સાંજ સુધીમાં ૨૬૬ મૃતદેહો સિવિલમાં છે. આ મૃતદેહોને હાલ તો સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં કોઈને કોઈ રીતે રાખવામાં આવેલા છે. પરંતુ આ પૈકીના અન્યત્ર મૃતદેહને અન્યત્ર પણ કોલ્ડ સ્ટોરેજમાં ખસેડવાની આરોગ્ય વિભાગ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.

પરંતુ સ્થિતિ એ છે કે, અન્ય સરકારી હોસ્પિટલોની હાલત પણ કોલ્ડ સ્ટોરેજ મામલે ઠંડીગાર સ્થિતિ છે. સોલા સિવિલમાં 18, વીએસ હોસ્પિટલમાં 12ની ક્ષમતા ધરાવતા કોલ્ડ સ્ટોરેજ છે. આમ, 80 લાખની વસતી ધરાવતા અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા માત્ર ૬૬ની છે. એક અધિકારીએ જણાવ્યું કે, 'પોસ્ટ મોર્ટમ રૂમ હોય ત્યાં જ કોલ્ડ સ્ટોરેજ રાખવામાં આવે છે. જેના કારણે અદ્યતન સુવિધા હોવા છતાં એસવીપીમાં કોલ્ડ સ્ટોરેજ નથી. શાહીબાગમાં આવેલી એક ખાનગી હોસ્પિટલ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ધરાવે છે.

સોલા સિવિલમાં કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા વધારાઇ હતી

સોલા સિવિલમાં ગયા વર્ષે કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા 12થી વધારીને 18 કરવામાં આવી હતી. વર્ષ 2023માં સંપૂર્ણ વર્ષ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં કુલ 12 કોલ્ડ સ્ટોરેજમાં ૨૪૮ ડેડબોડીને રાખવામાં આવી હતી. જેની સામે વર્ષ 2024માં 385 ડેડબોડીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની ફરજ પડી હતી.

પોસ્ટમોર્ટમ રૂમ બહાર માથું ફાડી દે તેવી દુર્ગંધ

અમદાવાદ, શુક્રવાર સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે મોડી સાંજ સુધીમાં મોટાભાગના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. હાલ સિવિલ પરિસરમાં આવેલા પોસ્ટમોર્ટમ રૂમના ગેટથી 80 મીટર બહાર સુધી માથું ફાડી દે તેવી દુર્ગંધ આવી રહી છે.

Related News

Icon