અમદાવાદમાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે. અમદાવાદના ગુરૂકુળ વિસ્તારમાં પૂર્વી ફ્લેટમાં આગ લાગતા 11 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ACમાં બ્લાસ્ટ બાદ આ આગ લાગી હોવાનું કહેવામાં આવે છે.
ગુરૂકુળ વિસ્તારમાં લાગી આગ
મળતી માહતી અનુસાર, પૂર્વી એપાર્ટમેન્ટમાં 9માં માળે એક મકાનમાં આગ લાગી હતી. જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લેતા એપાર્ટમેન્ટમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ, ફાયરની 15 ટીમ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. સતત પાણીનો મારો ચલાવીને આગ ઓલવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
આગ લાગવાનું કારણ અકબંધ
પ્રાથમિક માહિતી અનુસાર, ઘરમાં એસી બ્લાસ્ટ અથવા ગેસ સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ લાગી હોય શકે છે. જોકે, હજુ સુધી આગ લાગવાનું કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી. નોંધનીય છે કે, હજુ સુધી સમગ્ર મામલે કોઈ જાનહાનિની માહિતી સામે નથી આવી. હાલ ફાયરના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવાયા બાદ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે.
20થી વધુ લોકોનું રેસક્યુ કરાયું
મળતી માહિતી અનુસાર, પૂર્વી એપાર્ટમેન્ટના 8 અને 9માં માળે આગ લાગી હતી. ફ્લેટમાં ફસાયેલા લોકોનું ફાયરની ટીમ દ્વારા રેસક્યુ કરવામાં આવ્યુ હતું. આ આગમાં ફસાયેલા 20 લોકોનું ફાયરની ટીમ દ્વારા રેસક્યુ કરવામાં આવ્યું હતું. બનાવની જાણ થતા જ ટ્રાફિક DCP સફિન હસન ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.