
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકોના DNA સેમ્પલ મેચ થતા તેમના પાર્થિવ શરીરને પરિવારજનોને સોપવાની કાર્યવાહી ચાલુ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, વહીવટી તંત્ર સહિતનો સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ મલિક, JCP સેક્ટર 2 જયપાલ સિંહ રાઠોડ તથા DCP ઝોન 6 રવિ મોહન સૈની દ્વારા બંદોબસ્તમાં રહેલ અમદાવાદ શહેર પોલીસને આ ઘટનામાં ભોગ બનનાર વ્યક્તિઓના સગા સંબંધિઓ સાથે સોહાર્દપૂર્ણ વ્યવહાર કરવા તથા મદદરૂપ થવા સૂચનાઓ કરવામાં આવી છે.
આ ઘટનામાં ઘણા ફેમિલીના બે અથવા વધારે સભ્યોના મૃત્યુ થયેલા હોય, તેઓના DNAએ વારા ફરતી આવતા હોય, સગા સંબંધીઓને અંતિમ વિધિ એક કરતા વધારે વખત કરવાની પરિસ્થિતિ ઉપસ્થિત થાય ત્યારે સગાંસંબંધીઓ વિમાસણમાં પડી જાય છે. અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ, થલતેજ ખાતે રહેતા મીનાબેન દિલીપભાઈ પટેલ (ઉ.વ.68) અને દિલીપભાઈ મહેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.69)નું પણ એર ઈન્ડિયાની ફલાઇટમાં સફર કરતા અકસ્માતમાં મરણ થયેલ હોય તે પૈકી પહેલા દિલીપભાઇ પટેલના DNA મેચ થયા હતા. દિલીપભાઇના દીકરા દેવર્ષ અને જમાઇ કુશાન સોઢાને પાર્થિવ શરીર સોપવા જણાવવામાં આવ્યું હતું. એક જ કુટુંબમાં બે મરણ થયેલા હોય, અલગ અલગ વિધિ કરવાની જગ્યાએ બન્નેના પાર્થિવ શરીર સાથે મળે તો એક સાથે અંતિમ વિધિ થઇ શકે તેવી અલગ અલગ જગ્યાએ રજૂઆત કરતા કોઇએ ધ્યાન આપ્યુ ન હતું.
પટેલ દંપત્તિના DNA મેચ થતા એક સાથે અંતિમ સંસ્કાર કરાયા
આ વાતની જાણ બંદોબસ્તમાં રહેલા DCP પ્રદીપસિંહ જાડેજાને થતા ACP કૃણાલ દેસાઇ તથા શાહીબાગ PI જે.ડી.ઝાલા, તપાસ કરનાર નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇંસ્પેક્ટર પી.વી.ગોહિલ, PSI ભરતસિંહ રાઠોડ તથા સ્ટાફ દ્વારા પરિવારજનોને સાંત્વના આપી, FSL DNA રિપોર્ટ આવતા વાર લાગતી હોય જે ટેકનિકલ બાબત હોય જ્યારે DNA મેચ થઇને આવશે ત્યારે તરત જ પરિવારજનોને જાણ કરવામાં આવશે અને બંને ડેડબોડીની અંતિમ વિધિ સાથે થાય એવી વ્યવસ્થા કરવા પ્રયત્નો કરવા સમજણ આપવામાં આવી હતી. બીજા દિવસે સવારે DNA રિપોર્ટ મેચ થઇ આવી જતા તેમને જાણ કરી માતા-પિતાના પાર્થિવ શરીર એક સાથે મળે તે માટે પોલીસ દ્વારા હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી બન્ને ડેડબોડી એક સાથે મળે તેવી વ્યવસ્થા કરી આપતા બન્ને માતા-પિતાના પાર્થિવ શરીર અમદાવાદ શહેર પોલીસ તથા વહીવટી તંત્રની સંકલિત કામગીરીના કારણે એક સાથે મળતા મરણ જનાર મીનાબેન પટેલ તથા દિલીપભાઇ પટેલના પરિવારજનો દ્વારા અમદાવાદ શહેર પોલીસની સંવેદનશીલ કામગીરીના વખાણ કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ભાવવિભોર કરી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. અંતિમ વિધિ પત્યા પછી પણ મીનાબેન અને દિલીપભાઇ પટેલના જમાઇ દ્વારા DCP પ્રદીપસિંહ જાડેજાને ટેલિફોન કરીને પોતાના માતા-પિતાની અંતિમ વિધિ પૂરી થઇ ગઇ હોવાની જાણ કરી હતી અને ફરી આભાર માન્યો હતો.