
Ahmedabad News: ડિજિટલ અરેસ્ટ થયેલા એલઆઇસીના 65 વર્ષે નિવૃત્ત કર્મચારીએ પોતાની મરણ મૂડી ગુમાવી હોવાનું સામે આવ્યું છે. કાગડાપીઠ પોલીસસ્ટેશન વિસ્તારમાં વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. આધારકાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાયો હોવાની સાયબર ઠગોએ ધમકી આપી હતી. વૃદ્ધને કોલ આવ્યો હતો અને તેમને મુંબઈ બોલાવવામાં આવ્યા હતા.
ધરપકડથી બચવા નિવૃત કર્મચારીએ 3 લાખ આપ્યા હતા. ડિજિટલ માફિયાઓએ વધુ 7 લાખની માંગણી કરી હતી. નિવૃત્ત કર્મચારી પાસે વધુ પૈસા ન હોવાથી પરિવારને ઘટનાની જાણ કરી હતી. પરિવારને જાણ કરતા પોતે ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા હોવાની જાણ થઈ હતી. જેથી કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર મામલે ડિજિટલ એરેસ્ટમાં કાગડાપીઠ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે શ્રાવણ સાગરા અને વિવેક ઉર્ફે કોકો રાઠોડની ધરપકડ કરી છે. શ્રવણના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા. શ્રવણે પોતાનું બેંક ખાતું વિવેકને વાપરવા માટે આપ્યું હતું. પોલીસે ત્રણ લાખ પૈકી એક લાખ રૂપિયા બેન્ક ખાતામાં ફ્રીઝ કર્યા છે. ડિજિટલ અરેસ્ટમાં ઓર્ગેનાઇઝ ગેંગ કામ કરી રહી છે.
ડિજિટલ અરેસ્ટના પૈસા સુરતના કૃષ્ણમોહન કાકડીયાના ખાતામાં પણ ટ્રાન્સફર થયા હતા. શ્રવણ અને વિવેક પાંચથી દસ હજાર લઈને પોતાના બેંક ખાતા અન્ય લોકોને ઉપયોગ કરવા માટે આપતા હતા. કાગડાપીઠ પોલીસે ડિજિટલ અરેસ્ટ ગેંગના અન્ય સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.