
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા શાંતિપૂર્વક યોજાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા અનુસંધાનમાં મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રથયાત્રામાં અમદાવાદ શહેરના 17500 પોલીસકર્મીઓ તેમજ 2500 જેટલા પેરામિલિટરી ફોર્સના જવાો તેમજ અન્ય સુરક્ષા કર્મીઓ સહિત 20 હજાર લોકોનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત રથયાત્રા રૂટ પરના 3200 જેટલા CCTV અને ખાસ સોફ્ટવેરની મદદથી ભીડ પર નજર રાખવામાં આવશે. તેમજ રથયાત્રામાં 70થી વધુ ડ્રોનથી પણ લાઇવ ફીડ મેળવીને નજર રાખવામાં આવશે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા આગામી 27મી જુનના રોજ યોજાશે ત્યારે ભારતની સૌથી લાંબી રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં શહેરીજનો ભગવાનના દર્શન માટે ઉમટી પડે છે. જેથી રથયાત્રાના રૂટની સાથ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ પોલીસે ટેકનોલોજીની મદદ લેવાની સાથે લોખંડી બંદોબસ્ત માટે તૈયારીઓ પૂર્ણ કરી છે.
રથયાત્રાના રૂટ પર મુવિંગ બંદોબસ્તની જવાબદારી અમદાવાદ ક્રાઇમબન્રાન્ચની રહેશે. તેમજ કૂલ 17500 જેટલા પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફ પણ તૈનાત રહેશે. આ ઉપરાંત પેરા મીલેટરી ફોર્સ,હોમગાર્ડ, બોમ્બ ડીસ્પોઝલ સ્કવોર્ડ સહિતના 2500થી વધુ જવાનો પણ બંદોબસ્તમાં હાજર રહેશે.
3200 CCTV કેમેરાથી રખાશે નજર
પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર વોચ રાખવા માટે હાઇટેક ટેકનોલોજીથી સજ્જ 3200 જેટલા CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે. આ માટે પોલીસ કમિશનર કચેરી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જગન્નાથ મંદિર અને સરસપુર રણછોડરાયજીના મંદિર ખાતે CCTV કેમેરાની સાથે પીનાક સોફ્ટવેરથી સજ્જ કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે જેમાં અમદાવાદમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ફેસ ટ્રેકરની મદદથી ઓળખવામાં મદદ મળશે.
આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ પાસેના 45 ડ્રોનની સાથે અન્ય સ્ટાર્ટઅપ કંપનીના ડ્રોન સહિત કૂલ 70થી વધુ ડ્રોનની મદદથી રથયાત્રાના રૂટ પર લાઇવ ફીડની મદદથી નજર રાખવામાં આવશે. તેમજ ભીડને કાબુમાં લેવા માટે આર્ટીફીશયલ ઇન્ટેલિજન્સથી સજ્જ સોફ્ટવેરની મદદ પણ લેવામાં આવી રહી છે.
પ્લેન ક્રેશની ઘટનાને કારણે પોલીસનો રથયાત્રા બંદોબસ્ત પ્લાન મોડો
ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો બંદોબસ્ત દેશના સૌથી મોટા પોલીસ બંદોબસ્ત પૈકીનો એક ગણાય છે. આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાઇ તે માટે એક મહિના પહેલાથી પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે. જેમાં હોટલો, ભાડૂઆતની તપાસ કરવાની સાથે ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા આરોપીઓની અટકાયતની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત, અન્ય શહેરોમાંથી આવતા અધિકારીઓને પણ સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતગાર કરવામાં આવે છે. પરંતુ, ગત 12મી જુનના રોજ પ્લેન ક્રેશની ઘટના બનતા શહેર પોલીસના અધિકારીઓ સતત એક સપ્તાહ સુધી સતત વ્યસ્ત રહ્યા હતા. જેથી રથયાત્રા બંદોબસ્તની તૈયારી માટે પોલીસને પુરતો સમય મળ્યો નથી ત્યારે પોલીસ રથયાત્રા રૂટના આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર કરાયેલા વીડિયોને બંદોબસ્તમાં ઉચ્ચ અધઇકારીઓને બતાવીને યોજના તૈયાર કરી રહી છે.