
નકલી આર્બીટ્રેટર મોરિસ દ્વારા શાહવાડીમા આવેલા અમદાવાદ મ્યુનિ.ના પાંચ પ્લોટના બોગસ ઓર્ડરનો મુદ્દો મ્યુનિ.બોર્ડમાં ચર્ચાયો હતો. જો આમ જ ચાલશે તો ભવિષ્યમાં મ્યુનિ.બોર્ડમાં નકલી મેયર અને કમિશનર જોવા પડશે એવો વિપક્ષ નેતાએ ટોણોં મારતા ડેપ્યુટી મેયરે નકલી આર્બીટ્રેટરના હુકમ ઉપર કોર્ટમાં જનારા અધિકારી સામે કાર્યવાહી કરવા ડેપ્યુટી મેયર જતીન પટેલે સુચન કર્યું હતું.
શાહવાડીમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાલની બજાર કિંમત મુજબ બે હજાર કરોડના પ્લોટના બોગસ ઓર્ડર મોરિસે વિનસેન્ટ ઓલીવર કાર્પન્ટરની ફેવરમાં વર્ષ-૨૦૧૯માં કર્યા હતા. આમ છતાં પાંચ વર્ષ સુધી મ્યુનિ.તંત્ર ઉંઘતુ રહ્યું.આ મુદ્દે મ્યુનિ.બોર્ડ બેઠકમાં ચર્ચા થઈ હતી.
વિપક્ષ તરફથી આક્ષેપ કરતા કહેવાયું કે, એસ્ટેટ વિભાગને અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કયાં કેટલા પ્લોટ આવેલા છે, આ પ્લોટ ઉપર શું પરિસ્થિતિ છે, તેની કિંમત કેટલી છે એ અંગેની કોઈ વિગત જ ઉપલબ્ધ નથી.
મ્યુનિ.કમિશનરે ખાસ રસ લઈને મ્યુનિ.હસ્તકના તમામ પ્લોટનુ વેલ્યુએશન કરાવી શહેરીજનો સમક્ષ વિગત જાહેર કરવી જોઈએ. ડેપ્યુટી મેયર જતીન પટેલે વર્ષ-૨૦૧૯ની સ્થિતિએ આર્બીટ્રેટરના હુકમ ઉપર કોર્ટમાં જનારા અધિકારી સામે કાર્યવાહી કરવા મ્યુનિ.કમિશનરને સુચન કર્યુ હતુ.
અમદાવાદ મહાનગરપાલિકાની 5 જમીનોમાં વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરની તરફેણમાં નકલી ઓર્ડર-ચુકાદા આપ્યાં
નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં નારોલ શાહવાડી વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતની પાંચ જેટલી જમીનોના ખોટા ઓર્ડર કર્યા હોવાની માહિતી છે. તેણે લવાદ તરીકે ખોટો ઓર્ડર કર્યો હતો અને આ ઓર્ડરના આધારે સીટી સિવિલ કોર્ટમાં દાવો પણ દાખલ કરવામાં આવ્યો છે. વર્ષ 2019માં નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નારોલ - શાહવાડી મોજે સર્વે નંબર 102, 107, 117, 118 અને 138 એમ કુલ પાંચ જમીનોમાં તેણે લવાદ તરીકે ખોટા ઓર્ડર કર્યા છે. આ 5 સર્વે નંબરની જમીનમાં અરજદાર તરીકે વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરના નામ છે. એટલે કે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નાણાં લઈને વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરની તરફેણમાં ચુકાદા આપ્યાં હતા.
કોર્ટે વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરને ફટકાર્યો 50,000નો દંડ, વિન્સેટ વિરુદ્ધ FIR નોંધવા કર્યો આદેશ
અમદાવાદ મહાનગરપાલિકાની લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કહ્યું કે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નારોલ - શાહવાડીની અમદાવાદ મહાનગરપાલિકાની 5 સર્વે નંબર વાળી જમીનોમાં જેના તરફી નકલી ઓર્ડર-ચુકાદા આપ્યાં હતા તે સામે AMCએ કેસ કર્યો હતો. જેનો ચુકાદો આપતા અમદાવાદ સીટી સિવિલ કોર્ટે વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરને કોર્ટે રૂ.50,000નો દંડ ફટકાર્યો છે. આ સાથે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અને વિન્સેટ ઓલિવર કાર્પેન્ટર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો છે.