
fake judge Morris Samuel Christian case : અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને ગાંધીનગરના સેક્ટર-24 ખાતે નકલી કોર્ટ ઉભી કરી હતી, જ્યાં તેણે હાઈકોર્ટના જસ્ટિસ પાસે હોય તેવું ડાયસ બનાવ્યું હતું અને તે ડાયસ પર બેસીને જજ હોય તેમ જ બોગસ ઓર્ડરો કરતો હતો. ઉપરાંત એક ચોપદાર પણ રાખ્યો હતો તે જ્યાં જાય ત્યાં આગળ ચોપદાર રહેતો હતો.
નકલી ઓર્ડર-ચુકાદા આપી ખાનગી વ્યકિતઓને કરોડો- અબજો રૂપિયાની જમીનોમાં મોલિક બનાવી દેતો
આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટમાં આવેલ આબીટ્રેશનમાં પોતે જજ તરીકે કાર્યરત હોવાનો ઉલ્લેખ કરતો હતો અને ભોગ બનેલાને ગુજરાત હાઈકોર્ટના આબીટ્રેશન બતાવવા માટે લઈ જતો હતો. જાતે જ કોર્ટ બનાવી, જાતે જ જજ બની જઈ, જાતે જ સ્ટાફ ઉભો કરી, પોતાને ત્યાં જાતે જ કેસ દાખલ કરાવી અને જાતે જ ચુકાદો આપી ખાનગી વ્યકિતઓને કરોડો- અબજો રૂપિયાની જમીનોમાં મોલિક બનાવી દેતો હતો. પણ હવે નકલી જજ મોરીસે જેમની પાસેથી નાણાં લઈ તરફેણમાં ઓર્ડર-ચુકાદા આપ્યાં એમનું પણ હવે આવી બન્યું છે.
અમદાવાદ મહાનગરપાલિકાની 5 જમીનોમાં વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરની તરફેણમાં નકલી ઓર્ડર-ચુકાદા આપ્યાં
નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં નારોલ શાહવાડી વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતની પાંચ જેટલી જમીનોના ખોટા ઓર્ડર કર્યા હોવાની માહિતી છે. તેણે લવાદ તરીકે ખોટો ઓર્ડર કર્યો હતો અને આ ઓર્ડરના આધારે સીટી સિવિલ કોર્ટમાં દાવો પણ દાખલ કરવામાં આવ્યો છે. વર્ષ 2019માં નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નારોલ - શાહવાડી મોજે સર્વે નંબર 102, 107, 117, 118 અને 138 એમ કુલ પાંચ જમીનોમાં તેણે લવાદ તરીકે ખોટા ઓર્ડર કર્યા છે. આ 5 સર્વે નંબરની જમીનમાં અરજદાર તરીકે વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરના નામ છે. એટલે કે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નાણાં લઈને વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરની તરફેણમાં ચુકાદા આપ્યાં હતા.
કોર્ટે વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરને ફટકાર્યો 50,000નો દંડ, વિન્સેટ વિરુદ્ધ FIR નોંધવા કર્યો આદેશ
અમદાવાદ મહાનગરપાલિકાની લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કહ્યું કે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નારોલ - શાહવાડીની અમદાવાદ મહાનગરપાલિકાની 5 સર્વે નંબર વળી જમીનોમાં જેના તરફી નકલી ઓર્ડર-ચુકાદા આપ્યાં હતા તે સામે AMCએ કેસ કર્યો હતો. જેનો ચુકાદો આપતા અમદાવાદ સીટી સિવિલ કોર્ટે વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરને કોર્ટે રૂ.50,000નો દંડ ફટકાર્યો છે. આ સાથે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અને વિન્સેટ ઓલિવર કાર્પેન્ટર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો છે.