આગામી રથયાત્રામાં લાખો લોકોની ભીડ પર નજર રાખવા માટે અમદાવાદ પોલીસ દ્વારા AI ટેક્નોલોજીથી સજ્જ વિશેષ સોફ્ટવેરની મદદ લેવામાં આવશે. જેમાં રથયાત્રાના રૂટ પર ડ્રોન કેમેરાથી સજ્જ સોફ્ટવેર દ્વારા રૂટ ભીડ પર વૉચ રાખવા, ખાસ કરીને ભાગદોડ અટકાવી શકાય તે માટે એઆઇ ટેક્નોલોજીથી માઇક્રો ડીટેઇલ એકઠી કરવામાં આવશે. ક્રાઇમબ્રાંચના સુત્રોના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી લાંબો રૂટ ધરાવતી યાત્રા
ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી લાંબો રૂટ ધરાવતી યાત્રા છે. જેમાં લાખોની સંખ્યામાં નગરચર્યાએ આવતા ભગવાનના દર્શન કરવા માટે ઉમટે છે. ત્યારે સૌથી સઘન પોલીસ બંદોબસ્તના કારણે મોટી ઘટના બનતી નથી. તેમ છતાંય, સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેજથી માંડીને મોટાપ્રમાણમાં પોલીસ સ્ટાફને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવે છે.
AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે
જો કે આ રથયાત્રામાં અમદાવાદ ક્રાઇમબ્રાંચ એઆઇ ટેક્નોલોજીથી સજ્જ સોફ્ટવેરનો ઉપયોગ કરશે. જેમાં રથયાત્રાના રૂટ પર ડ્રોનની મદદથી એઆઇ સજ્જ કેમેરા દ્વારા સર્વલન્સ કરીને વિવિધ માહિતી મેળવવામાં આવશે. જેમાં ચોક્કસ જગ્યા પર કેટલા લોકોની ભીડ છે. તે વિગતો ગણતરીના સેકન્ડમાં મળી જશે. રૂટ પર કોઇ શંકાસ્પદ રીતે દોડતી વ્યક્તિ પર પણ નજર રાખી શકાશે.
જો કે ચોક્કસ જગ્યાના પ્રમાણમાં વધારે ભીડ હશે અને ભાગદોડ થવાની શક્યતા હશે તો એલર્ટ પણ મળી જશે. જેથી પોલીસ એડવાન્સમાં પહોંચીને સ્થિતિને પહોંચી વળશે. આ સોફ્ટવેરના સંચાલન માટે સ્ટાફને વિશેષ તાલીમ આપવામાં આવી છે. આ એઆઇ સોફ્ટવેરને જુના સીસીટીવી સાથે પણ લીંકઅપ કરી શકાશે. આમ પ્રથમવાર એઆઇ ટેક્નોલોજીની મદદથી પોલીસ રથયાત્રાના રૂટનું સંચાલન કરશે. જે દેશમાં પ્રથમવાર ઉપયોગ થશે.