
Amazon Prime Day Sale: ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોનના આગામી પ્રાઇમ ડે સેલ ઇવેન્ટ દરમિયાન સાયબર ગુનેગારો ખરીદદારોને છેતરવા માટે કૃત્રિમ બુદ્ધિનો આશરો લઈ રહ્યા છે. સાયબર સુરક્ષા કંપની મેકાફીએ એમેઝોનની 36,000થી વધુ નકલી વેબસાઇટ્સ શોધી કાઢી છે અને 75,૦૦૦થી વધુ નકલી સંદેશાઓ પણ ઓળખવામાં આવ્યા છે, જે વપરાશકર્તાઓ એટલે કે યુઝર્સની વ્યક્તિગત અને નાણાકીય માહિતી ચોરી કરવા માટે બનાવવામાં આવી છે.
જેમ જેમ ભારતમાં ઓનલાઈન ખરીદી વેગ પકડી રહી છે, તેમ તેમ છેતરપિંડીના કિસ્સાઓ પણ તે જ ગતિએ વધી રહ્યા છે. મેકએફીના 2025ના ગ્લોબલ પ્રાઇમ ડે સ્કેમના અભ્યાસ પ્રમાણે, આ વર્ષે પ્રાઇમ ડે દરમિયાન લગભગ 96% ગ્રાહકો ઓનલાઈન ખરીદી કરવાનું આયોજન કરી રહ્યા છે. જ્યારે 97% ભારતીય ખરીદદારો સાવધાની રાખવા માંગે છે, ત્યારે 71% લોકો આ મોટા સેલ દરમિયાન AI-આધારિત છેતરપિંડી અંગે ચિંતિત છે.
ટેકનોલોજીના માધ્યમથી સાઇબર લૂંટારાઓને ખૂબ સરળતા થઇ ગઇ છે. તેઓ કોઈ પ્રોડક્ટ માટે પ્રભાવકોના ડીપફેક વીડિયો બનાવી રહ્યા છે અને નકલી એમેઝોન સંદેશાઓ પણ બનાવી રહ્યા છે, નકલી ડિલિવરી સમય, રિફંડ માહિતી અને ગ્રાહકોને નકલી બિલ પણ મોકલી રહ્યા છે. આ સંદેશાઓ એવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે કે ગ્રાહક તેની સત્યતા જાણતા પહેલા જ નકલી લિંક પર ક્લિક કરી દેશે.
મેકએફીના સિનિયર ડાયરેક્ટર (એન્જિનિયરિંગ) પ્રતિમ મુખર્જીએ જણાવ્યું હતું કે, પ્રાઇમ-ડે ભારતીય ગ્રાહકોને ખરીદી માટે ખૂબ જ ઉત્સાહિત કરે છે. પરંતુ હવે સાયબર ગુનેગારો માટે પણ આ ખાસ સમય બની ગયો છે, જ્યારે તેઓ સરળતાથી લોકોની છેતરપિંડી કરી શકે છે. તેઓ AI દ્વારા ગ્રાહક માટે એક ખાસ સંદેશ તૈયાર કરે છે અને એવી નકલી લિંક્સ મોકલે છે, આ લિન્ક એકદમ અસલી જેવી જ લાગે છે જેના પર ગ્રાહક કંઈપણ વિચાર્યા વિના ક્લિક કરે છે અને સાઇબર ફ્રોડનો શિકાર બની જાય છે.