Congress National AICC Seasion 2025: કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, "આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, આ ગુજરાત સત્ય અને સ્વાભિમાનનું ગુજરાત છે. આજે તે ગુજરાતને ભય અને સ્વાર્થની દિવાલ વચ્ચે ગુલામ બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે પણ યુવાઓ દરદર ભટકે છે, મહિલાઓ પર અત્યાચાર થઇ રહ્યો છે અને નાની નાની ફેક્ટરીઓ પણ બંધ થઇ રહી છે. મોંઘવારી વધી છે, ડિજિટલ પ્લેટફોર્મનો દૂરઉપયોગ થઇ રહ્યો છે. ગુજરાતની ઓળખ સમાન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કમજોર બની ગઇ છે."
AICCમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, 'આજે ગાંધી-સરદારનું ગુજરાત જ્યાંથી નકલી દવાનો કારોબાર આખા દેશમાં ફેલાઇ ગયો છે. શિક્ષણ-આરોગ્યની વ્યવસ્થા વેપારમાં પરિવર્તન થઇ ગયું છે. GST અને ટેક્સ ટેરરિઝમનું દૂષણ છે. સરકારમાં બેઠેલા લોકો GSTની ઝંઝટ અને ટેક્સ ટેરરિઝમથી વેપાર ઉદ્યોગ પાસે પ્રોટેક્શન મનીની વસૂલાત કરી રહ્યાં છે.'
ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત ગેટવે બન્યો- પરેશ ધાનાણી
વધુમાં કોંગ્રેસના નેતાએ કહ્યું કે, ભ્રષ્ટાચાર ભાજપનો શિષ્ટાચાર બની ગયો છે. ટ્રાફિક ટેરરિઝમ શહેરોની ઓળખ બની છે. 2002માં ગુજરાતનું દેવું 14 હજાર કરોડ હતું અને આજે પાંચ લાખ કરોડથી વધુ દેવું થઇ ગયું છે. ગુજરાત દેવાદાર બની ગયું છે. ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત ગેટવે બની ગયો છે. આ સાથે જ પરેશ ધાનાણીએ કહ્યું કે, રાજ્યસ્તરીય તમામ બંધારણીય સંસ્થાઓ ખતમ થઇ ગઇ છે.ન્યાયિક વ્યવસ્થા પર લગામ કસવાનો પ્રયાસ થઇ રહ્યો છે. વિપક્ષને કચડવામાં આવી રહ્યો છે.