
અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ પ્લેન ક્રેશની ઘટનાના બે દિવસ બાદ એર ઇન્ડિયાના બીજા એક વિમાનમાં આટલી મોટી દુર્ઘટના બનવાનું જોખમ ઊભું થયું હતું. એર ઇન્ડિયાનું 187 બોઇંગ 777 વિમાન 14 જૂનના રોજ દિલ્હીથી વિયેના જઈ રહ્યું હતું. તે સમયે 900 ફૂટની ઊંચાઈએ ઊડી રહેલું વિમાન અચાનક નીચે ઉતરવા લાગ્યું હતું. વિમાનને આ સંદર્ભે અનેક ઍલર્ટ પણ મળ્યા હતા. પાયલટે પણ ચેતવણી આપી હતી કે, વિમાન ઝડપથી નીચે જઈ રહ્યું છે. જો કે, સદનસીબે પાયલટે વિમાન પર કાબૂ મેળવી લીધો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. DGCA હવે આ બાબતની તપાસ કરી રહ્યું છે.
ખરાબ હવામાનમાં ભરી હતી ઉડાન
મળેલી માહિતી મુજબ, બોઇંગ 777એ ખરાબ હવામાન હોવા છતાં 14 જૂનના રોજ બપોરે 2.56 વાગ્યે દિલ્હીથી વિયેના જવા ટેક ઑફ કર્યું હતું. દિલ્હીમાં વાદળછાયા વાતાવરણ અને વીજના કડાકા વચ્ચે ટેક ઑફ કરાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, વિમાનમાં ટેક્નિકલ ખામી હોવાના ઍલર્ટ અગાઉથી જ મળ્યા હતા. ટેક ઑફ બાદ વિમાનમાં મુશ્કેલીઓ આવવા લાગી હતી. વિમાનને એક વખત સ્ટૉલ વૉર્નિંગ અને બે વખત જીપીડબ્લ્યુએસના ઍલર્ટ મળ્યા હતા. 900 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ વિમાન અચાનક નીચે ઉતરવા લાગ્યું હતું. બાદમાં પાયલટ્સે વિમાન પર કાબૂ મેળવતાં ઉડાન વિયેના સુધી પહોંચી હતી. બાદમાં આ વિમાન બીજા ક્રૂ સભ્યો સાથે ટોરેન્ટો પણ ગયું હતું.
DGCA આદેશ બાદ ખુલાસો થયો
પ્રારંભિક તપાસમાં ફ્લાઇટના ટેક ઑફમાં જ કેટલીક સમસ્યાઓ આવી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ જ્યારે અધિકારીઓએ B777ના ફ્લાઇટ ડેટા રૅકોર્ડરની તપાસ કરી, ત્યારે ઘણી ગંભીર બાબતોનો ખુલાસો થયો હતો. DGCAએ આદેશ પર તપાસ હાથ ધરી હતી. DGCA એ અમદાવાદ પ્લેન ક્રેશ બાદ તમામ વિમાનની સઘન તપાસ કરવા તુરંત આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન, B777ની ખામી પ્રકાશમાં આવી હતી.
મુસાફરો ભયભીત બન્યા હતા
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, પાયલટના રિપોર્ટ બાદ ફ્લાઇટના ડેટા રૅકોર્ડ ચકાસવામાં આવ્યા હતા. હવે આ મામલે વિસ્તારપૂર્વક તપાસ થઈ રહી છે. બંને પાયલટને તપાસ પૂરી થવા સુધી ડ્યૂટી પરથી દૂર કર્યા છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાના એક-પછી એક વિમાનમાં અનેક કારણોસર ખામી તેમજ ફ્લાઇટ કેન્સલ થવાના કિસ્સાઓ વધતાં હવાઈ મુસાફરી કરતાં મુસાફરો ભયભીત બન્યા છે.