
સુરતમાં એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગના મુદ્દે મોટો ખુલાસો થયો છે. ક્રેડાઈ સુરત દ્વારા આ મામલે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે, જેમાં એવો દાવો કરાયો છે કે તમામ સંબંધિત સરકારી એજન્સીઓની મંજૂરી બાદ બિલ્ડિંગોનું નિર્માણ થયું છે.સુરત ક્રેડાઈ દ્વારા પણ કલેકટરને રજૂઆતો કરવામાં આવી હતી. ક્રેડાઈ સુરતે કહ્યું હતું કે, સુરત એરપોર્ટ નજીક આવેલી 28 પ્રોજેક્ટમાં 110 બિલ્ડિંગ્સ અને 1440 ફ્લેટ છે, જ્યાં લગભગ 12,000થી વધુ લોકો 10 વર્ષથી વધુ સમયથી રહે છે.
લેખિતમાં રજૂઆત
આ રહીશો તમામ મંજૂરીઓ લઈને કાયદેસર રીતે બિલ્ડિંગમાં રહે છે. તેમણે AAI પાસેથી એરપોર્ટ NOC, મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી BUC અને કલેક્ટર પાસેથી મંજૂરીઓ પણ લીધી છે ત્યારે બિલ્ડરો દ્વારા કોઈ જ ભૂલ કરવામાં આવી નથી. જેથી જો કેટલાક ટેકનિકલ મુદ્દાઓને દૂર કરી દેવામાં આવે તો આ નડતરરૂપ બિલ્ડિંગનો પ્રશ્ન દૂર થઈ જાય તેમ છે તેમ સુરતના ક્રેડાઈના શિવલાલ પોંકિયા સહિતના આગેવાનોએ કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું.
એરપોર્ટ ઓથોરિટીની સૂચના મુજબ અમે કામ કરીશુંઃ કલેક્ટર
જિલ્લા કલેકટર ડોક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું કે, અત્યારે જે નડતરરૂપ બિલ્ડિંગો છે તે પૈકીની મોટાભાગની બિલ્ડિંગોનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તેથી તે અંગે કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી. અન્ય જે બિલ્ડિંગો છે તે અંગે પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમને સૂચના આપવામાં આવશે તે મુજબ અમે કામ કરીશું. એરપોર્ટ ઓથોરિટી નિયમ મુજબ જે બિલ્ડિંગ નડતરરૂપ હશે તે બિલ્ડીંગ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. જે ઝીંગા તળાવો ગેરકાયદેસર છે, ત્યાં પણ અમે ખૂબ મોટા પ્રમાણમાં તેને તોડી પાડીને જમીન ખુલી કરાવી દીધી છે.
રન વેના થ્રેશોલ્ડને કાયમી ધોરણે ઘટાડવામાં આવે તો ક્યારેય મોટા વિમાનો ઉતરી શકશે નહીં
ક્રેડાઈ સુરતે કલેકટરને કરેલી રજૂઆતમાં એ મુદ્દો સાચો છે કે બિલ્ડરોએ એરપોર્ટ ઓથોરિટીની NOCથી માંડીને મનપા સુધી તમામની મંજૂરીઓ લઈને જ બિલ્ડિંગો બાંધી છે. જેથી આ માટે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ જ જવાબદાર છે, જો ભવિષ્યમાં આ બિલ્ડિંગોમાં પણ ડિમોલિશન કરવાનું હોય તો તે માટે જે તે બિલ્ડર કે ફ્લેટધારકોને સરકારે વળતર ચૂકવવું જોઈએ.જોકે ક્રેડાઈ સુરત દ્વારા રન વેનો થ્રેશોલ્ડ ઘટાડવાનો જે મુદ્દો રજૂ કરાયો છે તે ખોટો છે. કારણ કે થ્રેશોલ્ડ ઘટાડવામાં આવે તો મોટા વિમાનો સુરતમાં ઉતરી શકે તેમ નથી. સુરતમાં દિલ્હીની જેમ બે રન વે નથી. ઉપરાંત 60 મીટરના રન વે પણ નથી. થ્રેશોલ્ડ ઘટાડવાથી સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટને ખરેખર ઈન્ટરનેશનલ બનાવવામાં મુશ્કેલીઓ પડે તેમ છે.