22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 લોકોનાં મોત થયા છે, જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું હતું. ત્યારે આજે ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર હુમલો કર્યો છે. જેથી આ હુમલાથી સરકારે બદલો લીધો હોવાની લાગણી વ્યક્ત કરતાં મૃતકના પત્નીએ કહ્યું કે, મારા પતિના આત્માને શાંતિ મળશે.
સરકાર પર ભરોસો-શિતલબેન
મૃતક શૈલેષભાઈ કળથિયાના પત્ની શિતલબેને કહ્યું કે, મને સરકાર પર ભરોસો હતો. સરકારે આતંકીઓના ઠેકાણા પર હુમલો કરીને બદલો લીધો છે. ત્યારે મારા પતિના આત્માને શાંતિ મળી હશે. પાકિસ્તાનને પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે જે રીતે પહેલગામ હુમલામાં મૃત્યા પામેલાને સહાય કરી છે. તેનાથી વધુ સહાય ગુજરાત સરકાર અમને કરે જેથી અમારા બાળકોને ન્યાય મળે.
ધડાધડ ગોળીબારમાં થયું હતું મૃત્યું
44 વર્ષીય શૈલેષભાઇ હિંમતભાઇ કળથિયા તેમના પત્ની શીતલ કળથિયા, પુત્રી નીતિ અને પુત્ર નક્ષત્ર સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયાં હતાં. દરમિયાન શ્રીનગરથી પહેલગામ ફરવા ગયાં હતાં અને વિવિધ જગ્યાએ ફરીને ગતરોજ 22 એપ્રિલે તેઓ ત્યાંના મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા બૈસરનવેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતી સૌંદર્યને નિહાળતા હતા. ત્યારે અચાનક આંતકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીબાર કરાતાં કળથિયા પરિવારના ચાર સભ્યોમાંથી મોભી એવા શૈલેષભાઈને ગોળી વાગતાં મૃત્યુ થયું હતું.
‘મોદીજી મારા માટે ભગવાન છે...’
આ સિવાય ભાવનગરની પીડિતા જેણે પહલગામ હુમલામાં પોતાના પતિ અને દીકરાને ગુમાવ્યા છે, તેમની પણ ઓપરેશન સિંદૂર બાદ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ‘જે દુઃખ મારા માથે પડ્યું છે તેવું ભારત દેશની મારી કોઈ માતા-દીકરીના માથે ન પડે તેવી પ્રાર્થના કરૂ છું. મોદીજી મારા માટે ભગવાન છે. ભારતીય સેનાએ અમને જે સાથ-સહકાર આપ્યો તેની હું જિંદગીભર આભારી છું. સેનાના આ હુમલાથી મને ખૂબ શાંતિ થઈ છે. હું તો એવું ઈચ્છું છું કે, આ લોકોનું નામો-નિશાન મિટાવી દો. મને મારી ભારતીય સેના માટે ખૂબ-ખૂબ ગર્વ છે. હું મોદી સાહેબની ખૂબ આભારી છું.’
દીકરો-પતિ ગુમાવનાર પીડિતાનું દુઃખ છલકાયું
પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા યતીશ પરમારની પત્ની અને સ્મિત પરમારની માતાએ આતંકી હુમલા દરમિયાન બનેલી ઘટના જણાવતા કહ્યું કે, ‘અમે મોરારી બાપુની કથા બાદ 12 જેટલા લોકો પહલગામ ગયા હતાં, જોકે અમારૂ મન નહતું તો પણ ઘોડાવાળાએ અમને કહ્યું તો 12 જેટલાં લોકો અમે ઉપર પહોંચ્યા. જેવું અમે ત્યાં ઉપર પહોંચ્યા કે, પાંચ જ મિનિટમાં ત્યાં ફાયરિંગ થયું. અમે જોવા રહ્યા ત્યાં અમારા કાકાએ અમને ભાગી જવાનું કીધું. અમે ભાગી રહ્યા હતાં, ત્યાં અચાનક મારા દીકરા અને પતિને જમીન પર સૂઈ જવાનું કહેવામાં આવતા તે સૂઈ ગયા. હું પાછું ફરીને જોઉ ત્યાં સુધીમાં તેમને ગોળી મારી દેવામાં આવી હતી. હું મારા દીકરાને લેવા ગઈ ત્યારે મારો પતિ અને દીકરો લોહી-લોહાણ હતો. પરંતુ, હવે હું એટલું જ કહેવા માંગુ છું કે, જે દુઃખ મારા માથે પડ્યું છે તેવું ભારત દેશી મારી કોઈ માતા-દીકરીના માથે ન પડે તેવી પ્રાર્થના કરૂ છું.’