
બોલિવૂડ સ્ટાર્સ અને પ્રોડક્શન કંપની વચ્ચે થયેલી બબાલની અસર મોટાભાગે તેમના કો-એેક્ટર્સ અથવા ભાગીદાર પર પડતી જોવા મળે છે. તો જ્યારે પતિ અથવા પત્નિ પણ એક્ટર્સ હોય તો આ પરિસ્થિતિ વચ્ચે તાલમેળ બેસાડવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. આવું જ કાંઈક અભિનેત્રી કાજોલની સાથે થયું છે.
હાલમાં જ મીડિયામાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કાજોલે વર્ષ 2012ની તે વિવાદિત પરિસ્થિતિને યાદ કરી, જ્યારે તેના પતિ અજય દેવગણની ફિલ્મ 'સન ઓફ સરદાર' અને આદિત્ય ચોપડાની 'જબ તક હૈ જાન' ની વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર જામી હતી.
કાજોલની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ હતી
કાજોલે જણાવ્યું કે, "બંને તરફ જોડાયેલી હોવાથી લાચારી અનુભવી રહી હતી અને મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ હતી. કારણ કે, ઝઘડા હંમેશા મુશ્કેલી ઉભી કરે છે, ખાસ કરીને જ્યારે ઘણા સમય સુધી તેનો ઉકેલ ન આવે. તે સમયે જ્યારે આવી પરિસ્થિતિ ઉભી થાય છે, ત્યારે બંને પક્ષો પોતાના હકો માટે ઉભા થાય છે. હું બંને સાથે જોડાયેલી હતી, તેથી મને લાગ્યું કે, હું કંઈ નથી કરી શકતી. તો તમારે માત્ર સમયની રાહ જોવી પડશે, જેથી લાગણીઓ થોડી શાંત થાય અને વસ્તુઓ ધીમે ધીમે બરોબર થઈ શકે."
અજય નોંધાવી હતી ફરિયાદ
વર્ષ 2012માં અજય દેવગણ અને યશરાજ ફિલ્મ્સની વચ્ચે જોરદાર બબાલ થઈ હતી, જ્યારે 'સન ઓફ સરદાર' અને 'જબ તક હૈ જાન' એક જ દિવસે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. અજયની કંપનીએ કોમ્પિટીશન કમીશન ઓફ ઈન્ડિયા (CCI) માં ફરિયાદ નોંધાવી હતી કે, યશરાજ ફિલ્મ્સે પોતાની તાકાતનો ખોટો ઉપયોગ કરીને 'જબ તક હૈ જાન' માટે વધારે સ્ક્રીન બુક કરાવી લીધી છે, જેના કારણે 'સન ઓફ સરદાર' ને રિલીઝ કરવા માટે પુરતા પ્રમાણમાં થિયેટર ન મળી શકે.