
અક્ષય તૃતીયાનું ભારતીય સંસ્કૃતિમાં વિશેષ રીતે મહત્ત્વ રહેલું છે. આ તિથિને શુભ માનવામાં આવે છે. જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી લાઠીયાએ અક્ષય તૃતીયાના મહત્ત્વ અંગે આપેલી માહિતી પ્રમાણે જેનો ક્ષય થતો નથી, તે અક્ષય તરીકે ઓળખાય છે. તો આવો જાણીએ અખાત્રીજે કરેલું કોઈ પણ કાર્ય કેમ અક્ષય બને છે, અને કોની પૂજા કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે. હિન્દુ પંચાંગ પ્રમાણે આ વખતે 30 એપ્રિલના રોજ અક્ષય તૃતીયા મનાવવામાં આવશે.
આ તિથિએ કરાતા કર્મનો ક્યારેય નાશ થતો નથી
આ તિથિ સતયુગની આદિ તિથિ હોવાથી યુગાદિ કહેવાય છે. સર્વ પાપનો નાશ કરનાર અને સર્વ સુખ આપનાર છે, આ તિથિના દિવસે કરવામાં આવતાં કર્મનો નાશ થતો નથી, માટે તે કર્મ અક્ષય બને છે, જેથી અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે. આ તિથિએ પુણ્ય સ્નાન, જપ, હોમ, મંત્ર, સિદ્ધિ વગેરે કાર્ય કરવાથી તેનું ફળ પણ અક્ષય બને છે.
આ દિવસે કરેલું કાર્ય દીર્ઘ બને
આજે કલિયુગમાં પણ આ તિથિનો ભાવ ખૂબ જ રહેલો છે, જેમાં લોકો યંત્ર સિદ્ધિ, સોનુ, જમીન, વાહન ખરીદી ઉપરાંત લગ્ન કરવા જેવી બાબતને ખૂબ જ પ્રાધાન્ય આપે છે, કેમ કે આ કાર્ય દીર્ઘ બને. હાલમાં પણ આ દિવસ લગ્ન માટે કેટલાક પ્રાંતમાં કે પરિવારમાં વધુ પ્રધાન્યરૂપ જોવા મળે છે. કેમ કે તેઓની માન્યતા મુજબ આ દિવસે કરેલા લગ્ન ઘણા દોષને દૂર કરે છે, એટલે આ દિવસે લગ્ન પણ વધુ જોવા મળે છે, કેટલીક જગ્યાએ વિદ્વાનોના માર્ગદર્શન પ્રમાણે વિશિષ્ટ કાર્યના આયોજન પણ થતા હોય છે.
સિદ્ધિ પ્રાપ્ત કરવા યંત્રની પૂજાનું મહત્ત્વ
ધર્મ ધ્યાનમાં માનનાર આ દિવસે યંત્ર જેવા કે, શ્રી યંત્ર, કનકધારા યંત્ર, લક્ષ્મી નારાયણ યંત્ર વગેરેની સિદ્ધિ કે વિશેષ પૂજા કરતા હોય છે. યંત્ર પર મંત્રનો પ્રભાવ ઉપજાવી તેના ફળને અક્ષય પ્રાપ્તિની ભાવના રાખવામાં આવે છે. વિદ્વાનો પાસેથી કે ધર્મ ગ્રંથમાં અક્ષય તૃતીયાની વિસ્તૃત માહિતી, વ્રત, પૂજાની જાણકારી મેળવી શકાય છે, આપણને ઈશ્વરની કૃપાથી વર્ષમાં કેટલાક વિશિષ્ટ દિવસ, સમય વરદાનરૂપી મળેલા છે. જેનો સદુપયોગ જીવન અને સમાજને શ્રેષ્ઠ બનાવવા માટેનો હોય છે.
ખાસ નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું