
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બાડમેર અને જોધપુરમાં હાઇ રેડએલર્ટ જારી કરવામાં આવ્યું છે અને લોકોને પ્રવાસ અટકાવવા અને ઘરે જ રહેવાની સૂચના આપી છે.
બાડમેર ડીએમ ઓફિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોને ચેતવણી આપતા કહ્યું કે, જિલ્લાના તમામ લોકો જે ગામડાઓ કે શહેરોમાં છે અને બાડમેર આવવાના હોય તો તેમને વિનંતી કે તેઓનો પ્રવાસ ટાળે. બાડમેરમાં રેડ એલર્ટ છે. હાઈ રેડ એલર્ટ જારી કરીને લોકોને તાત્કાલિક તેમના ઘરોમાં જતા રહેવા કહેવાયું છે. બજારો બંધ કરી દેવામાં આવ્યા છે અને તમામ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
https://twitter.com/BarmerDm/status/1921070560143917326
જોધપુરમાં પણ પાકિસ્તાની હવાઈ હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને લોકોને શક્ય તેટલી વહેલી તકે પોતાના ઘરોમાં જવા માટે કહેવામાં આવ્યું છે. ડીએમ દ્વારા જારી કરાયેલા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવાઈ હુમલાની શક્યતા છે. સાયરન વાગશે. લોકોને ઘરમાં રહેવા સાથે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય ચુરુમાં પણ ખતરાની શક્યતાને ધ્યાનમાં રાખીને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
https://twitter.com/ANI/status/1921124594758434994
રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી મિસાઇલના ટુકડા મળ્યા
જણાવી દઈએ કે, ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને ગુજરાતના ઘણા સરહદી વિસ્તારોમાં મિસાઈલ અને ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દરેક હુમલાને નિષ્ફળ બનાવી રહી છે. બદલામાં પાકિસ્તાનના એરબેઝને પણ ઉડાવી રહી છે. આ સમય દરમિયાન રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં મિસાઈલના ટુકડા મળી આવ્યા છે. શનિવારે સવારે પોલીસે બાડમેરમાંથી મિસાઈલનો કાટમાળ શોધી કાઢ્યો. પોખરણ અને જેસલમેરમાંથી પણ આવા જ ટુકડા મળી આવ્યા છે.