
દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ ગુસ્સામાં અને શોકમાં છે. આ હુમલામાં 28 નિર્દોષ લોકોના જીવ ગયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે હવે આ હુમલાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ નિર્ણયો અને જવાબી કાર્યવાહીની તૈયારીઓ કરાઈ રહી છે.
પહેલગામ હુમલા બાદ, કેન્દ્ર સરકારે સીસીએસની બેઠકમાં સર્વપક્ષીય બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. આ બેઠક સંસદ એનેક્સીમાં યોજાશે. આ બેઠક આવતીકાલે યોજાવાની છે.
CCSની બેઠકમાં સૌથી મોટા નિર્ણય
CCSની બેઠક બાદ વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતું કે, 'પહલગામ હુમલાને લઈને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક થઈ હતી. જેમાં આતંકી હુમલાની નિંદા કરાઈ. આતંકવાદને લઈને ઝીરો ટોલરેન્સની નીતિ રહેશે. હુમલામાં 25 ભારતીય અને 1 નેપાળી નાગરિકનું મોત થયું છે. દુનિયાભરે આતંકી હુમલાની નિંદા કરી છે.' CCSની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે વિદેશ સચિવે માહિતી આપી હતી. જેમાં તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરાયા છે અને પાક.ના ઉચ્ચાયુક્તને પરત પાકિસ્તાન મોકલાશે. આ સિવાય સિંધુ જળ કરાર પર રોક લગાવી દેવાઈ છે.
- અટારી બોર્ડર ચેક પોસ્ટ બંધ કરાશે.
- સિંધુ જળ કરાર પર રોક લગાવવાનો નિર્ણય.
- તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ
SAARC હેઠળ પાકિસ્તાની નાગરિકોને મળેલી વિઝા છૂટને રદ કરી દેવાઈ છે, અને તે હેઠળ ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડવા કહેવામાં આવ્યું છે.
- ભારતમાં પાકિસ્તાન ઉચ્ચાયુક્ત બંધ
ભારતમાં પાકિસ્તાનના તમામ સૈન્ય સલાહકારોને પણ એક અઠવાડિયામાં ભારત છોડવા માટે કહેવાયું છે. ભારત પણ પોતાના સલાહકારોને પરત બોલાવશે.
- ઉચ્ચાયુક્તોની કુલ સંખ્યા 55થી ઘટાડીને 30 કરવાનો નિર્ણય લેવાયો છે.
પહલગામ હુમલા બાદ સેનાની કાર્યવાહી
કાશ્મીરમાં સુરક્ષા દળ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ત્યારે સુરક્ષાદળોને બારામૂલામાં મોટી સફળતા મળી છે. અહીં બારામુલ્લા જિલ્લામાં ઉરી સેક્ટરમાં LoCની નજીક ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કરતા સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સુરક્ષાદળોએ આતંકવાદીઓ પાસે બે રાઈફલ સહિત મોટી માત્રામાં હથિયાર અને સામાન જપ્ત કર્યો છે. ત્યારે, કુલગામમાં પણ સેનાએ આતંકવાદીઓને ઘેરી લીધા છે. અહીં આતંકવાદીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, અહીં કેટલાક આતંકવાદી છૂપાયા છે, જેમણે સેનાએ ચારો તરફ ઘેરી લીધા છે.